Rajkot News/ મામાના ઘરે રમતી હતી, અચાનક બેભાન થઈ… 14 વર્ષની દીકરીનું મોત

Rajkot 14 Year Girl Heart Attack: જામનગરની 14 વર્ષીય આનંદી મોદીનું રાજકોટમાં મામાના ઘરે રમતાં-રમતાં હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. આનંદ રિસોર્ટમાં ડિનર બાદ બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી પરિવાર શોકમાં.

Top Stories Gujarat Rajkot
Rajkotમાં મામાના ઘરે રમતા રમતા 14 વર્ષની આનંદીનું હાર્ટ એટેકથી મોત

Rajkot 14 Year Girl Heart Attack: ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેક (Heart Attack) આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. પવિત્ર પુરુષોત્તમ માસના પર્વે જામનગરથી રાજકોટ પોતાના મામાના ઘરે આવેલી ૧૪ વર્ષની માસૂમ દીકરી આનંદી મોદીનું રમતાં-રમતાં અચાનક હાર્ટ એટેક આવવાના કારણે કરૂણ મોત નીપજ્યું છે. હસતી-ખેલતી દીકરી આ રીતે અચાનક કાળનો કોળિયો બની જતાં કટારિયા અને મોદી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે.

Rajkot : રિસોર્ટમાં ડિનર બાદ બની ઘટના

મૃતક આનંદીના મામા ગોપાલભાઈ કટારિયાએ મીડિયા સાથે ભારે હૈયે વાતચીત કરતા જણાવ્યું કે, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોદીનો પરિવાર રાજકોટ આવ્યો હતો. અહીં પરિવારે એક સેવાકીય કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય પૂરું કરીને પરિવારના તમામ સભ્યો રાત્રે આનંદ રિસોર્ટ ખાતે ડિનર માટે ગયા હતા. રેસ્ટોરન્ટમાં આનંદથી જમ્યા બાદ ઘરના વડીલો લોબીમાં બેસીને વાતો કરી રહ્યા હતા, જ્યારે આનંદી પરિવારની અન્ય બહેનો અને બાળકો સાથે ખુશખુશાલ માહોલમાં દોડાદોડી કરીને રમી રહી હતી.

Rajkotમાં મામાના ઘરે રમતા રમતા 14 વર્ષની આનંદીનું હાર્ટ એટેકથી મોત

રમતાં રમતાં જ આવ્યો સિવિયર એટેક

સામે આવેલા વીડિયો અનુસાર, આનંદી અન્ય બાળકો સાથે રિસોર્ટના પેસેજમાં હસતાં-હસતાં દોડી રહી હતી. બરાબર એ જ સેકન્ડે તેને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને તે સીધી જમીન પર ઢળી પડી. આનંદીને નીચે પડતી જોઈને પરિવારના સભ્યો તાત્કાલિક તેની તરફ દોડ્યા હતા અને તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. કોઈ જ હલચલ ન જણાતા પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની જાણીતી સિનર્જી હોસ્પિટલ (Synergy Hospital) ખાતે લઈ ગયો હતો. જો કે, ત્યાં હાજર તબીબોના તમામ સઘન પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને ડૉક્ટર્સે તેને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ‘મૃત જાહેર’ કરી હતી. પ્રાથમિક તપાસમાં આનંદીનું મોત સિવિયર કાર્ડિયાક અરેસ્ટ (Severe Heart Attack) ના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

Rajkotમાં મામાના ઘરે રમતા રમતા 14 વર્ષની આનંદીનું હાર્ટ એટેકથી મોત

દીકરીની વિદાયથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ

મામાએ વધુમાં જણાવ્યું કે, 14 વર્ષની આનંદી એકદમ સ્વસ્થ હતી અને તેને કોઈ પણ પ્રકારની નાની-મોટી બીમારી નહોતી. તે હંમેશા ઘરમાં હસતી-રમતી અને પરિવારની ભારે લાડકી હતી. જામનગરમાં આનંદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. માત્ર ૧૪ વર્ષની કુમળી વયે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનથી મેડિકલ જગતમાં પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધવી એ ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે.


આ પણ વાંચો : શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો : કર્ણાટકના ક્રિકેટરનું ચાલુ મેચે હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકથી 3,253 મોત: NCRBના આંકડાઓએ વધારી ચિંતા, યુવાનો માટે એલર્ટ