Ahmedabad News : રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja)ને માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબી તપાસ દરમિયાન તેમના હૃદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja)ની તબિયત કાર્યક્રમ દરમિયાન બગડી
મળતી માહિતી મુજબ, મંત્રી સાંજે લગભગ 5:30 વાગ્યા સુધી અમદાવાદના Sabarmati Riverfront ખાતે યોજાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ભવનના લોકાર્પણ અને સ્માર્ટ સ્કૂલોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને છાતીમાં દુખાવો થતા તબિયત બગડી હતી.
ત્યારબાદ તેમને તાત્કાલિક અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન હૃદયમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું અને તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી.
શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ

ડો. પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja)મૂળ અમદાવાદના વતની છે અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં Gujarat Universityમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત તબીબ છે અને તેમની પત્ની પણ ડોક્ટર છે.
રાજકીય કારકિર્દી
ડો. પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja)એ પોતાની રાજકીય સફર Bharatiya Janata Party સાથે શરૂ કરી હતી. તેઓ પ્રદેશ ભાજપ એસસી મોર્ચાના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. Kodinar Assembly constituency (અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક) પરથી ભાજપના ઉમેદવાર તરીકે તેમણે 77,794 મત મેળવી વિજય હાંસલ કર્યો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર મહેશ મકવાણાને 19,386 મતોથી હરાવ્યા હતા.
ઓક્ટોબર 2025માં તેઓ કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે નિમાયા હતા. નવા મંત્રીમંડળમાં તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેઓ અનુસૂચિત જાતિના જાણીતા રાજકીય ચહેરા તરીકે ઓળખાય છે.
હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
