Vadodara News: રાજ્યમાં અકુદરતી મૃત્યુનો સિલસિલો જારી છે. કોરોના પછી શરૂ થયેલો આ સિલસિલો જાણે અટકી રહ્યો નથી. વડોદરા શહેરમાં ત્રણ જણના અકુદરતી મોત થયા છે. તેમા એક મહિલા છે અને બે પુરુષ છે. આશ્ચર્યની વાત એ છે કે જે ત્રણેય લોકોના મોત હાર્ટ એટેકથી થયા હોવાનું કહેવાય છે, તેમને અગાઉ ક્યારેય આવી કોઈ બીમારી ન હતી.

વડોદરા મા અચાનક હાર્ટ એટેક ના કિસ્સા વધ્યા
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પૂનમ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ નારાયણભાઈ રાણાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. તેઓ સરકારી પ્રેસમાં ફરજ બજાવતા હતા. રાજેશભાઈ ગુરુવારે સવારે ઉઠ્યા હતા અને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા. તેઓ બાથરૂમમાં બ્રશ કરતાં-કરતાં જ ઢળી પડ્યા હતા. તેના કારણે તેમની પત્ની દોડી આવી હતી. રાજેશભાઈને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આવા જ બીજા બનાવમાં વડોદરામાં રાવપુરામાં મનોહર એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય વૈભવભાઈ વિજયભાઈ મનોહર શેર માર્કેટના કારોબાર સાથે સંકળાયેલા હતા. વૈભવભાઈ ગુરુવારે બપોરે સાડા બાર વાગે રેસકોર્સ ખાતે તેમના ક્લાયન્ટની ઓફિસે મળવા ગયા હતા. તેઓ ક્લાયન્ટની ઓફિસમાં જ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમનું મૃત્યુ પણ અચાનક આવેલા હાર્ટએટેકના કારણે થયું હોવાનું મનાય છે.

આવા જ ત્રીજા બનાવમાં હરણી રોડ પર સવાદ ક્વાર્ટરમાં રહેતાં 56 વર્ષીય વસંતીબેન પ્રવીણભાઈ સોલંકી ગુરુવારે સવારે સાડા છ વાગ્યાના અરસામાં ઘરે ચા બનાવતા હતા. તેમને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ઘટના પછી બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ ત્રણેય મોત હાર્ટ એટેકથી થયા હોવાનું મનાય છે. આ ત્રણેયમાંથી અગાઉનો કોઈનો બ્લોકેજ કે એવો મેડિકલ હિસ્ટરી ન હતો. આમ છતાં તેમને હાર્ટ એટેક આવ્યા હતા. અમુક નિષ્ણાતોની માન્યતા છે કે કોરોના પછી આ કિસ્સા વધ્યા છે કારણ કે કોરોનાના પગલે લોકોનું લોહી જાડુ થઈ જાય છે અને તેના કારણે આ પ્રકારે હાર્ટએટેકના પ્રમાણમાં વધારો થયો હોઈ શકે, જો કે આ કોઈ રિસર્ચ નથી, દરેક દર્દીએ તેની સ્થિતિ અને કારણો જુદાં-જુદાં હોઈ શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં હીટ અને હાર્ટએટેકથી 13નાં મોત
આ પણ વાંચો: વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં ચા પીતા યુવક બન્યો હાર્ટએટેકનો શિકાર
આ પણ વાંચો: હાર્ટ એટેકથી વડોદરામાં 24 કલાકમાં 10 મોત

