લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે આ કહેવત સાર્થક થાય છે.શહેરમાં આ પહેલા પણ ચેઇન સિસ્ટમ અમલી બની હતી અને હજારો લોકોએ તેમના કરોડો રૂપિયા ગુમાવ્યા હતા,એફડી પર ઉંચો વ્યાજ આપીને છેતરનાર મુખ્ય આરોપી પકડાયો.
અમદાવાદ શહેરના કાલુપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુએનઆઇ કંપનીના ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ હતી. જેમાં અગાઉ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી સૌરીન ભંડારી ફરાર હતો જેની આજે કારંજ પોલીસે મણિનગરથી તેની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે.
કોર્ટમાં વકીલાત કરતા એક વકીલે ફરિયાદ નોંધાવી છે કે મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુએનઆઇ કંપનીના ફાઉન્ડર સૌરીન ભંડારીએ સાથે તેમનો કોર્ટમાં સંપર્ક થયો હતો, ત્યારે સૌરીન ભંડારીએ એક એફડી કરવાની સ્કીમ આપી હતી. જે સ્કીમમાં પૈસા રોકવાથી વાર્ષિક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. એક વર્ષ સુધી ફરિયાદી વકીલને વ્યાજ મળ્યું હતું, ત્યારબાદ વર્ષ 2019 અને 2020નું વ્યાજ ન મળતા ભોગ બનનાર વકીલને ખ્યાલ આવ્યો હતો કે પોતે છેતરાયો છે. જેના કારણે કરોડોની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.
