Ahmedabad News: અમદાવાદમાં પોલીસ ફાયરિંગ (Ahmedabad Police Firing)ની ઘટના બની છે, જેમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ બગડતા PI એ.બી. ભટ્ટે સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આરોપીના પગમાં ગોળી મારી હતી. આ ઘટનામાં આરોપી અને એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ છે.
Ahmedabad Police Firing : હાથકડીથી હુમલો કરી રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ

પોલીસ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનના ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ મોહમ્મદ ફિરોજ મહંમદ હનીફ શેખને પકડીને ટીમ લઈ જઈ રહી હતી. રિવરફ્રન્ટ આંબેડકર બ્રિજ નીચે ધોબીઘાટ પાસે આરોપીએ કોન્સ્ટેબલ અજીતસિંહને હાથકડીથી માથામાં ઈજા કરી. તેણે ડ્રાઇવર જયદીપસિંહ પર હુમલો કરી સ્ટેરીંગ ફેરવી ગાડી દીવાલ સાથે અથડાવી. ત્યાર બાદ PSI બી.જી. વાળાની રિવોલ્વર ઝૂંટવી (Revolver Snatch) ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે PI ભટ્ટે ફાયરિંગ કર્યું.
SOG ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાતો હતો આરોપી
આરોપીને પકડીને SOG ક્રાઈમ બ્રાન્ચ (SOG Crime Branch) લઈ જવાતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો. ટીમમાં PI ભટ્ટ, PSI વાળા, કોન્સ્ટેબલ અજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભાગ્યદીપ વ્યાસ અને ડ્રાઇવર જયદીપસિંહ સામેલ હતા. ઈજાગ્રસ્ત આરોપી અને કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડાયા, જ્યારે ફાયરિંગના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
આરોપી સામે અગાઉ નોંધાયેલા ગુના
પોલીસ રેકોર્ડ મુજબ આરોપીનો ગુનાહિત ઈતિહાસ (Criminal History) લાંબો છે અને અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 8 જેટલા ગુના નોંધાયા છે. કારંજ પોલીસ સ્ટેશનમાં 2015થી 2018 દરમિયાન મારામારી, લૂંટ, ધમકી અને હથિયારબંધીના ભંગ સહિતના ચાર ગુના છે. 2016માં દાણીલીમડા અને 2024માં શાહપુરમાં પણ ગુના દાખલ થયા છે. 2019 અને 2024માં ક્રાઈમ બ્રાન્ચમાં NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.
24 કલાકમાં ત્રીજો ફાયરિંગનો બનાવ
છેલ્લા 24 કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગનો આ ત્રીજો બનાવ (Gujarat Police Firing) છે. શનિવારે રાત્રે ધાનેરાના સામરવાડા પાસે ડ્રગ્સ કેસના આરોપીએ PI એસ.ડી. ચૌધરીની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરતા તેમણે એક રાઉન્ડ ફાયર કર્યો હતો. તે જ રાત્રે સુરેન્દ્રનગરના લીંબડી પાસે જામનગર LCBની ટીમે ગાંજાના આરોપીના પગમાં ગોળી મારી હતી.
આ પણ વાંચો: લીંબડી હાઈવે પર રિવોલ્વર ઝૂંટવી ભાગતા આરોપી પર PSIનું ફાયરિંગ, આરોપીને પગમાં ગોળી વાગી
આ પણ વાંચો: રોહતકમાં ગેંગવોરથી ખળભળાટ: મિલન ઢાબા પર અંધાધૂંધ ફાયરિંગ, 4 યુવકોની હત્યા
આ પણ વાંચો: પુણે કોર્ટ બહાર ફાયરિંગથી ખળભળાટ, 4થી 5 હુમલાખોરોનો હુમલો; એક ઘાયલ
