મનન : ભાવિની વસાણી@ મંતવ્ય ન્યૂઝ
ઓનલાઈન એજ્યુકેશન સાથે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાવાયરસના કારણે આવેલી અણધારી પરિસ્થિતિના કારણે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન લઇ રહ્યા હતા, જેને બીજા વર્ષે પણ ચાલુ રાખવું પડી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોના અનુભવો મહદંશે સારા જોવા મળ્યા નથી.વાલીઓની ફરિયાદ જોવા મળી હતી કે વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશનમાં વધારે રસ લેતા નથી. આ વર્ગમાં ફક્ત અડધા વિદ્યાર્થીઓ જ ખરા અર્થમાં ભણી શક્યા છે. આ સિવાય, નેટની ગતિ અને સંસાધનોની અછત ઓનલાઇન ને અસર કરી રહી છે. માતા-પિતા બાળકોના અસાઇન્મેન્ટ તૈયાર કરવામાંથી ઉંચા આવ્યા ન હતા, બાળકો અને શિક્ષકો વચ્ચે ઓનલાઈનમાં કોમ્યુનિકેશન જોઈએ તેટલું પ્રોપર થયું નથી,તેથી મોટાભાગના શિક્ષકો પણ ઘણા કારણોસર તેને વધુ અસરકારક માનતા નથી.બીજા વર્ષે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવામાં આવ્યું છે, ત્યારે ગયું આખું વર્ષ કેવું ગયું તેમજ ઓનલાઇન એજ્યુકેશનની અસરકારકતા વિષે શિક્ષકો, વાલીઓ તેમજ તજજ્ઞો પાસે તેમના મુખેથી જાણીએ.

વિદ્યાર્થીઓને લખવા અને વાંચવામાં તકલીફ પડતી હતી જેથી કંટાળો આવતો : હિરલ દવે (વાલી)
ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને લખવા અને વાંચવામાં તકલીફ પડતી હતી જેથી કંટાળો આવતો હતો. જેના કારણે મિસ કોમ્યુનિકેશન જોવા મળ્યું હતું.સ્કૂલ મેનેજમેન્ટ માટે ઓનલાઇન પ્રથમ વર્ષ હોય પ્રોપર મેનેજમેન્ટ થઈ શકતું ન હતું જેના કારણે વાલીઓ અને શાળાઓ વચ્ચેના સંબંધોમાં, કે પછી શિક્ષકો સાથેના સંબંધોમાં સમસ્યા જોવા મળી હતી.વાલીઓ અને શિક્ષકોની મીટીંગ વખતે સ્કૂલમાંથી જે ટાઇમ સ્લોટ ફાળવવામાં આવતો હતો તે વખતે સ્ટુડન્ટ અવેલેબલ હોય તે શક્ય બનતુ હોય પરંતુ માતા-પિતા બન્ને જોબ કરતા હોય એવામાં મીટિંગ ન થઈ શકે તેવું પણ બનતું. જેના કારણે કોમ્યુનિકેશન ગેપ જોવા મળ્યો હતો.ઓનલાઈન એજ્યુકેશન માં ઓછા સમયની અંદર કાર્ય કરવાનું હોય વ્યક્તિગત રીતે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકતું ન હતું તો ક્યારેક ટેકનીકલ પ્રશ્નો બાધારૂપ બનતા હતા.
સમયને ધ્યાનમાં રાખીને જેટલું ઓનલાઇન બાળકો થી થાય એટલું જ કરાવ્યું : દીપ્તિ કારિયા (વાલી)
મહામારીને કારણે સૌ કોઈના માઈન્ડ પર એવી અસર થઈ છે કે આખું જીવન ઘોરણ વિખાય ગયું છે.ત્યારે નાના બાળકો ની વાત જ શું કરવી.ઓન લાઈન એજ્યુકેશન તો છે પણ જે બાળકો સ્કૂલમાં અભ્યાસ કરી શકે એ આમાં શક્ય નથી,એવો ઉત્સાહ ન રહે.બાળકોની સાથે પેરેન્ટસ પણ સરખું ધ્યાન ન આપી શકે. ઘણા પેરેન્ટસ એવું પણ વિચારીને બાળકને ફોર્સ ન કરે કે એક વર્ષ બાળક ન પણ ભણે તો ચાલે. મેં પણ સમયને ધ્યાનમાં રાખીને જેટલું ઓનલાઇન બાળકો થી થાય એટલું જ કરાવ્યું છે.
સૌથી મોટી સમસ્યા બાળકોએ ઇન્ટરનેટને લઈને અનુભવી : હિરલ ભટ્ટ એન્ડ ગ્રુપ ( ટ્વિનકલ ભાવસાર, ઝરણા દેસાઈ, મેઘા વ્યાસ-વાલીઓ)
1.સૌથી મોટી સમસ્યા ઇન્ટરનેટ કનેક્શનને લઈને થાય છે.
2. વાઇફાઇ હોય તો પણ ઇન્ટરનેટ ફટાફટ વપરાય છે.
3. હાઇપર એક્ટિવ બાળકો હોય તો એકધારું ધ્યાન આપી શકતા નથી, આ માટે વાલીઓએ સતત તેમના પર બેસી રહેવું પડતું હોય છે.
4. સ્કૂલ ની અંદર જે શિસ્ત જોવા મળે છે તે ઓનલાઈનમાં શક્ય નથી.
5. ટેકનોસેવી ન હોવાના કારણે ઓછું ભણેલા વાલીઓને ઘણી તકલીફ પડે છે.
6. ઓનલાઈન એજ્યુકેશન કરતા બાળકના વાલીઓને બહાર જવું હોય ત્યારે 3-4 કલાક બાળકને એકલા મૂકી શકાતા નથી તેમને સમસ્યા નડે છે.
7. ઓનલાઈન એજ્યુકેશનમાં વાલીઓ મોબાઈલ ના વિરોધી હોવા છતાં બાળકોના હાથમાં આપવાની ફરજ પડી છે. જેથી માનસિક યાતનામાંથી પસાર થવું પડે છે.
8. શિક્ષકો પીડીએફ -વીડિયોના આધારે વિદ્યાર્થીઓને બાકીનું વર્ક પૂર્ણ કરવા માટે આપે છે જેના કારણે પાયો કાચો રહી જાય છે.
9. કેટલીક શાળાઓ ટ્રાન્સપોર્ટ તેમજ ફૂડની ફીઝ પણ વસૂલ કરતી હતી.
10. દરેક પેરેન્ટ્સ બાળકને ની વ્યવસ્થા કરાવી શકતા નથી અને મોબાઇલથી બાળકને અભ્યાસમાં તકલીફ પડી રહી હતી.
11. જે કુમળા બાળકોના અભ્યાસનું સ્કૂલમાં પ્રથમ વર્ષ હોય તેમણે સ્કુલનો અનુભવ લેવાના બદલે ઘરે મોબાઈલ પર શિક્ષણ મેળવી અને નિરાશાનો સામનો કરવો પડ્યો.
12. ઓનલાઈન એજ્યુકેશન ના કારણે કેટલાક શિક્ષકો ના અપૂરતા જ્ઞાનની પોલ વાલીઓ પાસે છતી થતી જતી હતી, જે એક રીતે સારું ગણી શકાય પરંતુ સ્કૂલમાં પણ આવા જ વાલીઓ પણ આવતા હશે તે બાબતે વાલીઓને ચિંતિત કરી દીધા હતા.
13.બાળકો સ્કૂલે જતા નહોતા પરંતુ સ્કૂલો તરફથી એવા પ્રોજેક્ટ આપવામાં આવતા હતા જે માત્ર વાલીઓએ પૂરા કરવા પડતા હતા અને લોકડાઉનના સમયમાં ચીજવસ્તુઓ એકત્ર કરવામાં વાલીઓને ખૂબ તકલીફ પડી છે.

પ્રથમ કારણ – ઓનલાઇન વર્ગોમાં ભાગ લેવા માટે જરૂરી સંસાધનો નથી : શિક્ષકો
ઓનલાઇન વર્ગોનું આયોજન અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
વર્ગમાં નોંધણી મુજબ વર્ગ માટે રચાયેલા ગ્રુપમાં 40 થી 50 વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
જો કે, આ જૂથોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જ જોડાયા છે. આલમ એ છે કે કોઈપણ જૂથના ફક્ત 50 ટકા વિદ્યાર્થીઓ જ તેમાં જોડાઈ શક્યા હતા.
શિક્ષકોના કહેવા મુજબ, આ પાછળનું પ્રથમ કારણ સમજાયું છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસે આ ઓનલાઇન વર્ગોમાં ભાગ લેવા માટે જરૂરી સંસાધનો નથી. સ્માર્ટ ફોન, લેપટોપ અથવા ઇન્ટરનેટ જેવા સંસાધનો આમાં મુખ્ય છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ એક સતત શિક્ષણનો અદભુત સંઘર્ષ : ભાવના વસાણી (શિક્ષક)
એક શિક્ષક તરીકે હું માનું છું કે ગયું વરસ શિક્ષકો માટે બહુ પડકાર રૂપ રહ્યું, ટેકનોલોજી સાથે કામ પાડવાનું ઘણું અઘરુ તો હતું જ પણ સાથે સાથે બાળકો ને વાલીઓ પણ શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ સ્વિકારી લે એ માટે બહુ પ્રયત્નો કરવા પડ્યા.વાલીઓની આર્થિક મુશ્કેલીને સમજવાની, બાળકોને માનસિક તૈયાર કરવાના બધું અશક્ય લાગતું હતું, પણ વાલીઓ પણ આ ભગીરથ કાર્યમાં લાગી ગયા અને પ્રમાણમાં ઘણી સરસ રીતે આખું વરસ પસાર થઈ ગયું. સમય સાથે આપણે બદલાઈ ગયા અને શક્ય છે, આખી શિક્ષણ પ્રણાલી બદલાય જાય.સમય સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ એક સતત શિક્ષણનો અદભુત સંઘર્ષ હતો, આને હજુ ચાલુ છે પણ વાલીઓ ની મધ્યસ્થતા વગર આ શક્ય નથી.

શાળાઓ પૂરતા સંસાધનો રાખે, શિક્ષકો ગમ્મત સાથે જ્ઞાન પીરસે અને વાલીઓ માની લે કે ઓનલાઇન શિક્ષણ ખરાબ નથી : ગિજુભાઈ ભરાડ (એજ્યુકેશનિષ્ટ)
ઓનલાઇન શિક્ષણ ખરાબ નથી આ પરિસ્થિતિમાં અન્ય કોઈ વિકલ્પ ન હોય તેને ન છૂટકે અપનાવવું જ રહ્યું. તેવું 60 વર્ગ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણ ગિજુભાઈ ભરાડે જણાવ્યું હતું.ગત વર્ષે તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ એક વર્ષથી ભણે તો કંઇ ખાટું-મોળું નથી થઇ જવાનું, પરંતુ હવે આ પરિસ્થિતિ લાંબા ગાળા માટે હિતાવહ નથી તે જોતા તેઓએ જણાવ્યું છે કે વિદેશમાં 70% એજ્યુકેશન ઓનલાઈન થઈ ચૂક્યું છે ત્યારે વાલીઓએ તેને અપનાવું રહ્યું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કદાચ એકાદ વર્ષ ભણવામાં મોડું થાય તો ચાલે,પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓને વર્ષ ન બગડે તે માટે આ પરિસ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ જણાવે છે કે શાળાઓએ પુરતાં સંસાધનો કે ગેજેટ્સ વસાવા જોઈએ. ઓનલાઈન એજ્યુકેશન માટે કેમેરો સારામાં સારી ક્વોલિટીનું વાપરવો જોઈએ. શિક્ષકોએ પાઠ્યક્રમ રૂટીન મુજબ ભણાવવાના બદલે ગમ્મત સાથે જ્ઞાન પીરસવું રહ્યું.ઓનલાઈન એજ્યુકેશન માટે શાળાઓના બોર્ડ પરના અક્ષરો બમણા મોટા લખવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓની આંખોને તકલીફ ન પડે. નવી શિક્ષણ નીતિ એક્ટિવિટી, એક્સપરિમેન્ટ અને સ્કિલ આધારિત જ છે. જ્યારે બાળકોએ પણ આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષણ માટે ટેવાવુ રહ્યું.
શાળાઓએ સરકારની માર્ગદર્શિકાનું અનુસરણ કર્યું હોય આંખની બીમારીના કેસમાં ઉછાળો આવ્યો નથી : ડો.રાજુ કોઠારી (આઈ સ્પેશિયાલિસ્ટ)
બાળકોને સ્ક્રિનિંગ ટાઈમ વધી જાય છે ત્યારે વિઝન સિન્ડ્રોમ કે ડ્રાય આઇ નામની આંખની બીમારી થાય છે કે જેમાં એકધારૂ જોવાના કારણે દ્રષ્ટિ પર અસર પડે છે. પરંતુ આવા કેસો હવે નિયમિત રીતે આવે છે. કોરોના પહેલા અને કોરોના પછી સંખ્યામાં એટલો બધો ઉછાળો જોવા મળ્યો નથી. ખાસ કરીને કોરોનાના ડરને લીધે વાલીઓને જ બાળકોને આંખની બીમારી થવાની એટલી ફરિયાદો ઉઠી રહી નથી. વર્તમાન સમયમાં ઘરે રહીને ભણવાનો એક જ વિકલ્પ છે ઓનલાઈન એજ્યુકેશન, પરંતુ વિવેકપૂર્વક ઉપયોગ થી વાંધો નહિ જ આવે. કોરોના બાદ આંખની બીમારીના કેસોમાં વધારો નોંધાયો નથી કારણ કે સરકારની ગાઇડ લાઇન મુજબ શાળાઓએ અનુસરણ કર્યું છે.
જો બાળકો ડેડીકેટેડ હોય અને આંખો ખરાબ ન થતી હોય તો વાલીઓએ પણ થોડું-ઘણુંઓનલાઇન સામે વાંધો લેવો જોઈએ નહીં : ડો.નમ્રતા મહેતા (સાઈકોલોજીસ્ટ)
ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ઓનલાઇન ગેમ રમતા થઈ જાય છે. ફ્રી ફાયર જેવી ગેમ રમવાના કારણે બાળકને રીતસરનું વ્યસન થઈ જાય છે અને વાલીઓ ડીલીટ કરે ત્યારે બાળક હાઇપર થઈ ગયા હોવાના દાખલા જોવા મળ્યા હતા.બાળકોને શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ હોવાના કારણે આળસુ થઈ ગયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા, એવામાં અનુશાસન જરૂરી છે પરંતુ જો બાળકો ડેડીકેટેડ હોય અને આંખો ખરાબ ન થતી હોય તો વાલીઓએ પણ થોડું-ઘણુંઓનલાઇન સામે વાંધો લેવો જોઈએ નહીં.બાળકને અભ્યાસ સિવાયની વિવિધ પ્રકારની એક્ટિવિટીમાં સતત રોકવાની કે ડાયવર્ટ કરવાની જરૂર છે, જેથી તેઓના સ્વભાવ ચીડીયા ન થઈ જાય. બાળકને અભ્યાસ સિવાય જે પણ ગમતું હોય તે પ્રવૃત્તિ માટે વાલીઓએ ખાસ સમય આપવો રહ્યો.બાળકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હોય બાળકની સાથે વધારે સમય માતા-પિતાએ ફાળવવો પડે તો પણ ફાળવવો જોઈએ.

