નિર્મલ પટેલ@ મંતવ્ય ન્યૂઝ
‘સ્કૂલ ઓફ એક્સલેન્સ’ અંતર્ગત સુરત જિલ્લાનાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બીટ નિરીક્ષકો, બી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટરોની એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કામરેજ તાલુકાની લસકાણા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઈ દરજી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્વાતિબેન પટેલ, જિલ્લાનાં તમામ ટી.પી.ઈ.ઓ., બીટ નિરીક્ષકો ઉપરાંત બી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યોતિબેન પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળાનો શૈક્ષણિક ગ્રાફ ઊંચો લાવવા માટે બોર્ડથી બગીચા સુધીનું વાતાવરણ આકર્ષક અને બાળકેન્દ્રી હોવું જરૂરી છે. તેમણે પરસ્પર ચર્ચા દ્વારા બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શું શું કરી શકાય તેની ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઈ દરજીએ ઉપસ્થિત સૌને પાયાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે રાજ્યનાં શિક્ષણ વિભાગનાં આ ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ હેઠળ આવનારા છ વર્ષ સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકનાં આર્થિક સહયોગથી સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન સુવિધાયુક્ત અને સર્વશ્રેષ્ઠ શાળા તરીકે વિકસાવવામાં આવશે. તેમણે પ્રોજેક્ટનાં માપદંડોની વિગતવાર માહિતી આપીને તાલુકા દીઠ બે-બે પ્રાથમિક શાળાઓને પસંદ કરી તેને આ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન પટેલે શાળાનાં વિકાસ માટે જરૂરી કોઈપણ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી સાથે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા સૌને અનુરોધ કર્યો હતો. અંતમાં કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અશ્વિનભાઇ પટેલે આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ કાનજીભાઈ વેકરીયાએ સેવા બજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કામરેજનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કમલેશભાઈ પરમાર, કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સિરાજભાઈ મુલતાની તેમજ લસકાણા પ્રાથમિક શાળાનાં આચાર્ય જીતેન્દ્રભાઈ આહિર તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

