Not Set/ કોર્ટમાં ‘ખોટાં’ પુરાવા રજૂ કરો તો શું થાય? વકીલને પણ ભારે પડી શકે છે આ કામ

ખોટી સ્કૂલની ફીની પહોંચ કોર્ટમાં રજૂ કરી હતી.

Gujarat

કોર્ટની કાર્યવાહી એ કોઈ સામાન્ય કાર્યવાહી નથી. આ કાર્યવાહીમાં વ્યકિતને ન્યાય પણ મળે છે અને તેમાં જે તે વ્યક્તિને સજા પણ મળે છે. સમગ્ર કાર્યવાહીનો આધાર પુરાવાની ઉપર રહેલો હોય છે. યોગ્ય અને સાચા પુરાવા જ્યારે કોર્ટમાં રજૂ કરાય છે,  ત્યારે તેના આધાર પર કોર્ટ ન્યાય કરવાનું નક્કી કરતી હોય છે જો કે, કેટલીક વાર એવું પણ બને છે કે કોર્ટમાં ખોટાં પુરાવા પણ રજૂ થતાં હોય છે, જેની જાણ કોર્ટને થયા બાદ કોર્ટ તે બાબતે લાલ આંખ કરીને ખોટાં પુરાવા રજૂ કરનાર વ્યક્તિની સામે કાર્યવાહી પણ કરતી હોય છે. આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે.

જામનગરના એક વકીલ દ્વારા ફેમિલી કોર્ટમાં ખોટા પુરાવા તથા ખોટી હકીકત રજૂ કરવામાં આવતાં, અદાલતે તે વકીલ વિરૃદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરાવવાનો હુકમ કર્યો છે.

જામનગરના રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા નામના વકીલે તેમના પત્ની કૃપાબા સામે ફેમિલી અદાલતમાં પોતાના સંતાનોના કબ્જા માટે ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ અન્વયે અરજી કરી હતી. તેની નોટીસ કૃપાબાને મળતાં તેઓએ અદાલતમાં હાજર થઈ પોતાનો જવાબ રજૂ કરવા ઉપરાંત બાળકોના કબ્જા અંગેનો કાઉન્ટર ક્લેઈમ કર્યો હતો. અને રાજેન્દ્રસિંહ ઝાલા પાસે રહેલા બાળકનો કબ્જો મેળવવા માંગણી કરી હતી.

તેની સામે રાજેન્દ્રસિંહે પોતાનો પુત્ર જામનગરની પોદાર સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાની રજૂઆત કરી સ્કૂલની ફીની પહોંચ પણ રજૂ કરી હતી. તેની સામે કૃપાબાને શંકા ઉભી થતાં પોદાર સ્કૂલમાં તપાસ કરાવતાં તેઓને આ બાળક તે શાળામાં અભ્યાસ કરતું નથી તેવો જવાબ મળતાં કૃપાબાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, વકીલ રાજેન્દ્રસિંહે ફેમિલી કોર્ટમાં ખોટો પુરાવો રજૂ કર્યો છે.

તે અરજી અન્વયે પોદાર સ્કૂલના જવાબદાર અધિકારીને અદાલતમાં તપાસવામાં આવ્યા હતાં. જેમાં તેઓએ ખુલાસો કર્યો હતો કે, અદાલતમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે તે પહોંચમાં તારીખ ૨૫-૦૧-૨૦૧૭ લખેલી છે તે પહોંચ તેમની નથી પરંતુ આ બાળકનું એડમિશન પોદાર સ્કૂલમાં તારીખ ૧૦-૦૭-૨૦૧૭ના દિવસે થયું છે. તેથી અદાલતે ન્યાયિક કાર્યવાહીમાં ખોટો પુરાવો રજૂ થયો છે, અને રાજેન્દ્રસિહંનો બાળક પોદાર સ્કૂલમાં અભ્યાસ ન કરતો હોવા છતાં તે બાળક આ શાળામાં અભ્યાસ કરતો હોવાનું જણાવાયું છે તેમ માની રાજેન્દ્રસિંહ ઝાલા સામે આઈપીસી ૧૯૧, ૧૯૨, ૧૯૩ હેઠળ અદાલતમાં ખોટો પુરાવો રજૂ કરવા, ખોટી હકીકત રજૂ કરવા, જાહેર કરવા અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરાવવા કોર્ટના રજિસ્ટ્રારને હુકમ કર્યો છે.