કચ્છના નાના રણમાં મીઠું પકવતા 17168 અગરિયાઓને રોજનું 5,15,040 લીટર પીવાના પાણી માટે ટેન્કરનો જ આશરો હોવાથી એમને 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. “નલ સે જલ” યોજના અંતર્ગત દસાડા તાલુકાના ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે અને ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કૂડા રણમાં 898.41 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત કરાઇ છે. જો આ યોજનાને મંજૂરી મળી જાય તો રણમાં મીઠું પકવતા અગરિયાઓને આઝાદીના 74 વર્ષે પાઇપલાઇન દ્વારા શુધ્ધ પીવાનું પાણી મળશે.
સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરી સાથે સંકળાયેલા સહકારી મંડળી અને 10 એકર મળી કુલ 112 યુનિટો આવેલા છે. અને ધ્રાંગધ્રા તાલુકાના જેસડા અને કુડા રણ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરી કરતા કુલ 17 સહકારી મંડળીઓ અને 10 એકરના કુલ 38 એકમો આવેલા છે. આ બંને રણ વિસ્તારમાં અગરિયાઓની વસ્તી તથા માથાદીઠ 30 લીટર દૈનિક પીવાના પાણીની જરૂરિયાત મુજબ દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં અગરિયાઓની 13773 વસ્તી સામે દૈનિક 4,13,190 લીટર પાણીની જરૂરીયાત રહે છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કુડા રણ વિસ્તારમાં અગરિયાઓની 3395 વસ્તી સામે 1,01,850 લીટર પાણીની જરૂરીયાત રહે છે. હાલમાં આ બંને રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં હાલમાં પાઇપલાઇન ન હોવાથી મીઠું પકવવાની સીઝન દરમિયાન એટલે કે દર વર્ષે નવેમ્બરથી જૂન માસ દરમિયાન ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં 88 યુનિટો અને જેસડા-કુડા રણની 17 મંડળીઓ તથા 38 દશ એકરના યુનિટોમાં મીઠું પકવતા અગરિયાઓને 20 દિવસે એક વખત ટેન્કરો દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્બારા રણ બેઠા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.
કેટલાક અગરિયાઓ પાસે પીવીસી કે આરસીસી ટાંકી ન હોવાથી એમને રણમાં ખાડો કરીને કે ખાટલામાં પ્લાસ્ટિક બાંધીને પીવાના પાણીનો સ્ટોરેજ કરવાની નોબત આવી હોવાની સાથે ઓકટોબર-નવેમ્બરમાં રણમાંથી ઘેર આવતા અગરિયા પરિવારોને નવી સીઝનમાં રણમાં રસ્તો ચાલુ ન થતો હોવાથી ખાડો કરીને ટાંકીમાં પાણી ભરીને એમાં ચૂનો નાખીને ઘેર પરત આવવાની નોબત આવે છે. જેથી કરીને એ પાણી બગડે નહીં અને નવી સીઝનમાં એ પાણી અગરિયાઓને પીવા માટે કામ આવી શકે.
આથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને મીઠું પકવવાની સીઝન દરમિયાન પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવા “જળ જીવન મીશન” યોજના અંતર્ગત એક નવો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં “નલ સે જલ” યોજના અંતર્ગત દસાડા તાલુકાના ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે અને ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કૂડા રણમાં 898.41 લાખના ખર્ચે 207.50 કિ.મી. પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત કરાઇ છે. જો આ યોજનાને મંજૂરી મળી જાય તો રણમાં મીઠું પકવતા અગરિયાઓને આઝાદીના 74 વર્ષે પાઇપલાઇન દ્વારા શુધ્ધ પીવાનું પાણી મળશે.
અભ્યારણ્ય વિભાગે રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની પાઇપલાઇનની યોજનાને મંજૂરી આપી નહોતી. પરંતુ બાદમાં ઝીંઝુવાડા રણમાં આવેલા વાછડાદાદાની જગ્યામાં પીવાના પાણીની પાઇપલાઇનની યોજનાને મંજૂરી આપી હતી જે હાલ કાર્યરત છે. આથી એ આશાએ બેઠેલા અગરિયાઓને પાઇપલાઇન દ્વારા પીવાનું શુધ્ધ પાણી મળશે તો રણમાં આઝાદીના 74 વર્ષે સોનાનો સુરજ ઉગશે.
