સુપ્રીમ કોર્ટે ઉદ્યોગપતિ દિનેશ પાંડેને ગુરુવારે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે દિનેશ 3,500 કરોડના બાઇક બોટ કૌભાંડ સાથે જોડાયેલા કેસો અને ફરિયાદોના સંદર્ભમાં કસ્ટડીમાં છે. જામીન માટે દિનેશ પાંડેને કોર્ટમાં 10 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં નોંધ્યું હતું કે અલાહાબાદ હાઇકોર્ટે આ વર્ષે જૂનમાં દિનેશ પાંડેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. એટલુ જ નહીં પણ પાંડેનું નામ કોઈ પણ કેસમાં નોંધાયેલું નથી. ઉપરાંત બાઇક બોટ યોજના શરૂ કરીને લાખો રોકાણકારોના નાણાં છીનવી લેનારી ખાનગી કંપનીમાં તે ડિરેક્ટર, કર્મચારી કે મેનેજર નથી.
જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠને પાંડેના વકીલે કહ્યું કે તેમને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી કારણ કે પોલીસે તેમની સામે નવી FIR નોંધાવી છે. આ અંગે દિનેશ પાંડેને અગાઉ જાણ પણ કરવામાં આવી ન હતી. ખંડપીઠે વચગાળાની રાહત આપતા કહ્યું કે, જામીન મેળવવા માટે પાંડેએ હાઇકોર્ટ દ્વારા મુકવામાં આવેલી શરતો પૂરી કરવી પડશે.
ખંડપીઠમાં ન્યાયમૂર્તિ ઋષિકેશ રાય અને ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર પણ સામેલ હતા. બેન્ચે કહ્યું કે 6 જુલાઈના આદેશમાં નોંધાયેલા કારણો અનુસાર, અમે ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યોને અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપીએ છીએ. આ બાબતે ભવિષ્યમાં કોઈપણ કેસ કોર્ટની પૂર્વ પરવાનગી લીધા પછી જ દાખલ કરવામાં આવશે. ખંડપીઠે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન માટે પસાર કરાયેલા આદેશ મુજબ, અરજદારે આગામી આદેશ સુધી આ કોર્ટની રજિસ્ટ્રીમાં 10 કરોડ રૂપિયા જેટલી રાષ્ટ્રીય બેંકની એફડી જમા કરાવવી પડશે. જામીન માટેની આ પૂર્વ નિર્ધારિત શરત હશે.
