CNGના ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા છે. પરંતુ, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી શહેરના રિક્ષાચાલક એસોસિએશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. તારીખ 25 ઓક્ટોબર સુધીમાં જો સરકાર ભાડા અંગે નિર્ણય નહીં કરે તો રિક્ષાચાલક પોતાની રીતે તૈયાર કરાયેલા નવા ભાડાપત્રકનો અમલ શરૂ કરી દેશે.
આ પણ વાંચો ;જપ્ત / કસ્ટમ વિભાગે કોલકાતામાંથી વિદેશી ચલણ સહિત સોનું અને રોકડ જપ્ત કરી
નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા 15થી વધારીને 20 કરવામાં આવ્યું છે. જ્યારે ત્યારપછીના દર કિલોમીટરનું ભાડું રૂપિયા 10થી વધારીને 15 કરવામાં આવ્યું છે. હાલ દર 5 મિનિટે રૂપિયા 1 વેઈટિંગ ચાર્જ લેવામાં આવે છે, તે વધારીને દર 5 મિનિટના રૂપિયા 5 વેઈટિંગ ચાર્જ કર્યો છે. એટલે કે, દર મિનિટે રૂપિયા 1 વેઈટિંગ ચાર્જ લાગશે.
આ પણ વાંચો ;અમદાવાદ / મેઘાણીનગરમાં પાડોશી યુવક સાથે વાત કરતા જોઇ પતિએ પત્નીની કરી હત્યા
ઓક્ટોબર મહિનામાં CNGના ભાવમાં થયેલા જંગી વધારાના પગલે રિક્ષાચાલકો ભાડા વધારાની માગણી સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા. જ્યાં તેમણે ભાડા વધારા અંગેની માગણી કરી હતી. જેથી તે વખતે મુખ્યમંત્રીએ તેઓને હકારાત્મક અભિગમ દાખવી આગામી દિવસોમાં બેઠક કરી ભાડું વધારવા માટેની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ રિક્ષાચાલકો સાથે બેઠક કરવામાં આવી નથી અને ભાડામાં પણ વધારો નહીં કરાયો હોવાથી રિક્ષાચાલકો રોષે ભરાયા હતા.
