મારા પ્યારા દાદા કહેતા’તા કે, પત્નિ, પુત્ર, પૈસો, પ્રેમ ને પદ : નસીબ મુજબ જ મળે – પણ “પરિવાર કેવો, કેવી રીતે, ક્યારે મળે !?” તેવો વિચિત્ર પ્રશ્ન મને આજસુધી વારંવાર થતો રહેતો – જેનું નિરાકરણ લાવતી ઘટના અત્રે પ્રસ્તુત છે. થોડી મરામત કરીને, મઠારીને મુકેલી આ સંકલિત વાત પરિવાર પ્રતિ આપણાં સૌનો ભરોસો વધુ મજબૂત કરે તેવો શુભહેતુ. યાદ રહે, સપ્તાહના સાત વાર કરતાં ય મોટો છે એમની આધારશીલા : પરિવાર !
જનકભાઈને બે પુત્રો. મોટો નિતિન, નાનો ચિરાગ. જનકભાઈને ગામમાં કરિયાણાની દુકાન. દુકાનની માપસરની કમાણીમાંથી બન્ને દિકરાઓને ભણાવ્યા. જનકભાઈના પત્ની સાવિત્રીબેને બન્ને દિકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું પરંતુ નિતિન પ્રથમથી જ ભણવામાં ઘણો ધીમો. ધોરણ બારમાં ફેલ થઈને પિતાજીની કરિયાણાની દુકાન સંભાળીને બેસી ગયો. ચિરાગના નસીબ જોર કરતા હતા તેથી એને સારી સરકારી નોકરી મળી ગઈ. વારાફરતી નિતિન અને ચિરાગના વિવાહ થઈ ગયા. કમાણીનું એકમાત્ર સાધન કરિયાણાની દુકાન એટલે બન્ને ભાઈઓના લગ્ન પ્રસંગો ઉકેલતાં થોડું દેવું પણ થઈ ગયું પરંતુ જનકભાઈને એની લાંબી ચિંતા નહોતી કારણ કે, ચિરાગનો પગાર સારો હતો.

બે ભાઈઓ વચ્ચે અઢળક પ્રેમ. નિતિનની પત્ની વીણા પણ સ્વભાવે સરળ અને માયાળુ. ચિરાગની પત્ની સરિતા આમ તો સંસ્કારી, પરિવારમાં હળતી ભળતી પરંતુ એકદમ આછાબોલી. ટુંકમાં જનકભાઈનો પરિવાર ઘણાંને ઈર્ષા ઉપજે એવો !
ચિરાગની પત્નિ સરિતાને શિક્ષક તરીકેની નોકરી મળતા જ નોકરીના સ્થળે રહેવા જવાનું થયું. ચિરાગ ત્યાંથી જ અપડાઉન કરે. દર અઠવાડિયે રવિવારે આખો પરિવાર એકઠો થાય. નિતિનની પત્ની વીણા એટલી માયાળુ કે સરિતાને કોઈ કામ કરવા દે નહીં. સંબંધે જેઠાણી હોવા છતાં ઘરનું બધું જ કામ એ જ કરે. સરિતાને કહે, ‘જો મારી નાની બેનડી, સોમથી શનિ તો તારે માથે કામ, કામ ને કામ જ હોય છે. સવારમાં વહેલા ઉઠીને ચિરાગભાઈનું જમવાનું બનાવવાનું, ઘરનું બધું કામ અને આખો દિવસ નોકરી. આ એક રવિવારે તો આરામ કર ! સરિતા થોડી હસે ખરી પણ કોણ જાણે કેમ એ પરિવારમાં લાંબુ કંઈ બોલી શકે નહીં. રાત્રે આખા પરિવારની એવી તો ગોઠડી જામે કે રાત્રીના બાર ક્યારે વાગી જાય એય ખબર ના પડે.
સમય વિતતો ગયો. જનકભાઈનું દેવું પણ ભરાઈ ગયું. નિતિન અને ચિરાગને ત્યાં પારણાં બંધાયા. નિતિનને મોટી દિકરી રીયા અને નાનો દિકરો ધીર. ચિરાગને મોટો દિકરો વંશ અને નાની દીકરી કાવ્યા. નિતિનને તો એકમાત્ર દુકાનની આવક. રીયા અને ધીરના અભ્યાસનો બધો ખર્ચ દુકાનની આવક પર જ ! ચિરાગનો પરિવાર તો રવિવાર અને વેકેશનમાં નિયમિત આવે. એ જ પ્રેમ, એ જ હસી ખુશી પરંતુ બીજી કોઈ આર્થિક મદદ નહીં.

રીયાએ ફાર્મસી પુરુ કર્યું તો ધીર સરકારી મેડીકલ કોલેજના બીજા વર્ષમાં આવ્યો. બન્ને ભાઈબહેનના અભ્યાસ ને ટ્યુશનના ખર્ચાઓમાં નિતિન માથે થોડું દેવું પણ થઈ ગયું. ચિરાગ એના પરિવાર સાથે આવે ત્યારે પૈસા બાબતે ન તો નિતિન એક હરફ ઉચ્ચારે કે ના કદી વીણા. જનકભાઈ અને સાવિત્રીબેનને થોડી ચિંતા થાય. એ બન્ને મનમાં મુંઝાયા કરે.
યોગ્ય પાત્ર સાથે રીયાનું સગપણ થયું. નિતિન ઉપર આ વધારાનું ખર્ચ અને એમાંય વેવાઈએ લગ્ન માટે ઉતાવળ કરવાનું કહ્યું. ત્રણ માસ પછીની લગ્નતિથી પણ નક્કી થઈ ગઈ.
રવિવારનો દિવસ હતો પરંતુ ચિરાગનો પરિવાર ગામડે આવ્યો નહીં પરંતુ સરિતાએ વીણાને ફોન કર્યો, ‘ભાભી ! એકાદ અઠવાડિયું રીયાને મારી પાસે મોકલશો ? આમેય એનો અભ્યાસ પુરો થયો છે ને લગ્નને હજી ત્રણ મહિનાની વાર છે. રીયા અઠવાડિયું મારી પાસે રહેશે તો મને ખુશી થશે.’ વીણાને તો અત્યારે માત્ર રીયાના લગ્નખર્ચની ચિંતા સતાવતી હતી પરંતુ દેરાણી સરિતાને તો એ જ લાગણી. એ જ કાયમના ભાવ સાથે ફોન પર જવાબ આપ્યો, ‘હા, મારી બેનડી. અત્યારે જ ૧૦ વાગ્યાની બસમાં જ એને મોકલું છું.’ વીણાએ દશ વાગે તો રીયાને કાકાને ઘેર રવાના કરી દીધી.

બીજા રવિવારે બપોરના સમયે એક જીપકાર આવીને જનકભાઈના આંગણે ઉભી રહી. નિતિન તો દુકાનમાં હતો. વીણાએ બહાર આવીને જોયું. જીપકારમાંથી સરિતા, રીયા અને કાવ્યા નીચે ઉતર્યાં.
વીણાએ ત્રણેય માથે હાથ મુકીને થોડું ખચકાઈને પૂછ્યું, ‘કેમ આ જીપકાર લઈને ?ચિરાગભાઈ અને વંશ કેમ નથી ? સરિતા અને કાવ્યા તો ચૂપચાપ ઉભા જ હતા પરંતુ રીયા આંસુ ભરેલી આંખે હસવાનો પ્રયત્ન કરતી રહી. ત્યાં તો જીપના ડ્રાઈવરભાઈ બોલ્યા, ‘બહેન, આ બધો સરસામાન ક્યાં ઉતારવાનો છે ?’
‘આ મકાનમાં લાવો બધું.’ એમ કહીને સરિતા રીયાના પગે લાગીને કહેવા લાગી, ‘ચાલો ભાભી, અંદર.’ અરે ભાઈ ! ત્રણમાંથી કોઈક તો કંઈ બોલો. આ સરસામાન ને આ બધું શું છે ? વીણાને કંઈ સમજણ પડતી નહોતી.
ડ્રાઈવરભાઈ સરસામાન ઉતારી, પાણી પીને ચાલતા થયા એ સાથે જ રીયા મમ્મીને ગળે વળગીને રડવા લાગી અને રડતા-રડતા જ બોલી, ‘જો મમ્મી ! કાકા, કાકીએ આપણા માટે શું કર્યું છે!

વીણા કંઈ આડું અવળું વિચારે એ પહેલાં તો રીયા બધું કાઢી કાઢીને બતાવવા માંડી. સાડીઓ, ડ્રેસ અને અન્ય કપડાં – એકએક કરીને રીયા મમ્મીને બતાડવા લાગી. તેની પાસે રહેલો થેલો ખોલીને મેક-અપ સાધનો અને દરદાગીના બતાવીને કહ્યું, ‘મમ્મી આ બધી મારા લગ્નની ચીજવસ્તુઓની ખરીદી છે. એક અઠવાડિયુ કાકા, કાકીએ સાથે રહીને આ બધી ખરીદી કરાવી છે. આ સાડી જો, એ તારા માટે કાકીએ ખાસ ખરીદી કરી છે. ખબર છે તને ! પુરા ત્રીસ હજારની છે અને તને ખાસ ગમતા કલરની. ને હજી પુરુ નથી થયું. આ ચેક જો. ૩ લાખનો ચેક છે, પપ્પાના નામે. કાકાએ એમ કહીને આપ્યો છે કે, આ તો મારી ફરજ પુરી કરુ છું. કાકાએ કહ્યું છે કે, હું આ ચેક હાથોહાથ મોટાભાઈને આપું તો એમાં મારી મોટાઈ દેખાય. મમ્મી, આ બધી જ ખરીદી કાકીએ એમની બચતમાંથી કરી છે. મારે આ બધું તને ફોન પર કહેવું હતું પરંતુ કાકીએ વંશભાઈના સોગંદ આપ્યા હતા કે, હાલ મારે આ બાબતે કંઈ ન કહેવું.’ વીણા એટલું જ બોલી, ‘આછાબોલી, મારી નાની બેનડી ! તું તો સૌથી સવાઈ નિકળી.’
સરિતાએ કહ્યું, ‘ભાભી! અમે તો અમારી ફરજ નિભાવી છે. સવાઈ હું નહીં, પણ તમે છો. તમે જે પ્રેમભાવ અમને આપ્યો એ તો અનન્ય છે. જનકભાઈ અને સાવિત્રીબેન બપોરના આરામમાંથી ઉઠીને આ બધું સાંભળી અને જોઈ રહ્યા હતા. બન્ને એકસાથે બોલ્યાં, ‘આજે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ. આવો પરિવાર તો પેઢીઓના પુણ્ય પછી મળે !’
દેરાણી-જેઠાણી સાસુ સસરાને નમી પડ્યાં. થોડો કોલાહલ સાંભળીને દુકાનેથી નિતિન આવીને બોલ્યો, ‘અરે ! શું છે, આ બધું ?’
જનકલાલ હસતા હસતા બોલ્યા, ‘બેટા !આપણા પરિવારના સંસ્કારની સાહ્યબી.’
મારા વ્હાલા સુજ્ઞ વાંચકો, નોકરી-ધંધા કે નાના ઘરને કારણે ભલે પરિવારના સભ્યો શારીરિક રીતે અલગ થાય પણ માનસિક રીતે સુખ-દુઃખમાં કાયમ સાથે જ રહે તેને પણ “સયુંકત પરિવાર” કહેવાય.
આપણાં સહુની, પ્રત્યેક માતા-પિતાની નૈતિક ફરજ છે કે પોતાના સંતાનોને એકાત્મક્તાના એવા લાગણીશીલ સંસ્કાર આપે કે મનથી અળગા કદાપિ ન થાય, ભલે મતભેદ થાય !
