વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રોયલ ગોલ્ડ મેડલ 2022’ના વિજેતા ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેમણે આર્કિટેક્ચરની દુનિયામાં મોટું યોગદાન આપ્યું છે.
રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે દોશીને ‘રોયલ ગોલ્ડ મેડલ 2022’ એનાયત કરવામાં આવશે. તે આર્કિટેક્ચર ક્ષેત્રે વિશ્વના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે.
વડાપ્રધાને ટ્વવિટમાં કહ્યું, “મેં જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી સાથે વાત કરી અને તેમને રોયલ ગોલ્ડ મેડલ 2022 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. આર્કિટેક્ચરની દુનિયામાં તેમનું બહુ મોટું યોગદાન છે. તેમની રચનાત્મકતા, વિશિષ્ટતા અને વૈવિધ્યસભર સ્વભાવ માટે સમગ્ર વિશ્વમાં તેમના કાર્યોની પ્રશંસા કરવામાં આવે છે.
રોયલ ગોલ્ડ મેડલ રાણી એલિઝાબેથ II દ્વારા વ્યક્તિગત રીતે મંજૂર કરવામાં આવે છે અને તે વ્યક્તિ અથવા લોકોના જૂથને આપવામાં આવે છે જેમણે સ્થાપત્યની પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હોય94 વર્ષીય દોશીએ સાત દાયકાની તેમની કારકિર્દીમાં ભારતભરમાં આર્કિટેક્ચર ક્ષેત્રે અમીટ છાપ ઉભી કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે.
ફર્નિચર ઉત્પાદકોના મોટા પરિવારમાં 1927માં પુણેમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પેરિસમાં વરિષ્ઠ ડિઝાઇનર (1951-54) તરીકે ચાર વર્ષ જેલે કોર્બુઝિયર સાથે કામ કર્યું.દોશીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બાંધકામ માટે સહયોગી તરીકે આર્કિટેક્ટ લુઇસ કાહ્ન સાથે કામ કર્યું હતું. તેણે કાન્સ સાથે એક દાયકાથી વધુ સમય સુધી સહયોગ કર્યો.
