2021 નું વર્ષને હવે આપણે અલવિદા કહી રહ્યા છીએ, ત્યારે આ વર્ષમાં સારુ અને ખરાબ ઘણું આપણા જીવનમાં ઘટ્યુ છે અને તેવી જ રીતે દુનિયામાં પણ આ વર્ષે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તેમના માટે 2021નું વર્ષ ન તો બહુ સારું અને ન તો ખરાબ રહ્યુ. ટીમનાં નામે ઘણા મોટા રેકોર્ડ નોંધાયા અને અનેક અવસર પર તેને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત
આપને જણાવી દઇએ કે, વર્ષની શરૂઆત જ ભારતની જીત સાથે થઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું હતું. આટલું જ નહીં ગાબામાં ભારતે 32 વર્ષથી ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાનાં શાસનનો પણ અંત લાવ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આ પછી ભારતે ઈંગ્લેન્ડને પણ હરાવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે હતી. આ દરમ્યાન ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારતે ODI અને T20 સીરીઝ પણ જીતી છે. પરંતુ વર્ષ 2021 નાં જૂન મહિનામાં ભારતને એવી હાર મળી, જે લાંબા સમય સુધી લોકો યાદ રાખશે. પ્રસંગ હતો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો અને સામે ન્યૂઝીલેન્ડની ટીમ હતી. ફાઈનલ પહેલા ભારત લાંબા સમયથી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર હતું.

એવી અપેક્ષા હતી કે ભારત અહીં પણ રંગ જમાવશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતશે. પરંતુ તે થઈ શક્યું નહીં. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી ભારત જુલાઈમાં શ્રીલંકાનાં પ્રવાસે ગયું હતું. અહીં ત્રણ T20 અને ત્રણ ODI મેચ રમાઈ હતી. ભારતે વનડે સીરીઝ 2-1થી જીતી હતી જ્યારે T20 સીરીઝ 2-1થી હારી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો બદલો ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ધરતી પર નિકાળ્યો. 2007 બાદ પ્રથમ વખત ભારતીય ટીમે બ્રિટિશ ધરતી પર સીરીઝમાં 2-1થી લીડ મેળવી હતી. સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ કોરોનાનાં દસ્તકને કારણે થઈ શકી નહોતી.

આ પણ વાંચો – Cricket / મેલબોર્નની એક હોટલમાં 1 કલાક સુધી Lift માં ફસાયેલો રહ્યો સ્ટીવ સ્મિથ, Video
હાર અને જીતની નજર વચ્ચે એવો પ્રસંગ પણ આવ્યો જ્યારે ટીમ ઈન્ડિયાને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ સ્પર્ધા જ કઇંક એવી હતી. સામે પાકિસ્તાન હતું અને ટૂર્નામેન્ટ ICC T20 વર્લ્ડકપ હતુ. 24 ઓક્ટોબર 2021નાં રોજ, પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું. T20 વર્લ્ડકપ ભારતીય ટીમ માટે ખરાબ સ્વપ્નથી ઓછો નહોતો. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનાં હાથે હાર સહન કર્યા બાદ ભારત સુપર-12થી આગળ વધી શક્યું નહોતુ. ભારતનાં ખરાબ પ્રદર્શનની ઘણી ટીકા થઈ હતી. જો કે એવું કહી શકાય કે T20માં દાવો કરવો એટલો સરળ નથી. આ ટૂંકા ફોર્મેટની રમતમાં મોટા ઉતાર-ચઢાવની ઘણી સંભાવનાઓ છે. વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સાથે પણ આવું જ થયું હતું. પાકિસ્તાનનું પણ એવું જ હતું. T20 વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે આવી હતી, જ્યાં ભારતે T20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરીને ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાની લાગી શકે છે લોટરી, ICC મહિલા T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ
ક્રિકેટનાં મેદાન સિવાય આ વર્ષે પણ ભારતનાં ડ્રેસિંગ રૂમમાં ઘણું બધું થયું. વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. જ્યારે કોહલીએ પોતે T20માં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માને વનડેમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જ BCCI ચીફ સૌરવ ગાંગુલીનાં દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય રવિચંદ્રન અશ્વિન અને રવિ શાસ્ત્રીનાં નિવેદનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો. જોકે, ઉતાર-ચઢાવ વચ્ચે ભારત પાસે દક્ષિણ આફ્રિકામાં જીતનાં દુષ્કાળને ખતમ કરવાની તક છે. ભારત દક્ષિણ આફ્રિકામાં છે અને તેણે કુલ ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે રમવાની છે.
