અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ પાકિસ્તાનની “BAT” એટલે કે બોર્ડર એક્શન ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. નવા વર્ષ નિમિત્તે કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સુરક્ષાદળોની કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યો ગયો આતંકવાદી પાકિસ્તાની છે અને તેનું નામ મોહમ્મદ શબીર મલિક છે. શબીર મલિક પાસેથી AK-47, સાત ગ્રેનેડ મળી આવ્યા છે.
આતંકી પાસેથી પાકિસ્તાની નોટ અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. ભારતીય સેનાએ હોટલાઈન દ્વારા પાકિસ્તાન આર્મીનો સંપર્ક કર્યો છે અને તેમને માર્યા ગયેલા આતંકવાદીની લાશ લેવા માટે કહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધવિરામ છે. આમ છતાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત બાદ યુદ્ધવિરામનું પાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ઉલ્લંઘન કરીને પઠાણી સૂટ અને કાળા જેકેટમાં એક વ્યક્તિ પાકિસ્તાનથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ સરહદી વિસ્તારમાં કેટલીક હિલચાલ જોવા મળી હતી અને સાંજે 4 વાગ્યાની આસપાસ જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો કોઈને ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તક જોઈને ભારતીય સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો અને આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો.
