દિલ્હીમાં ચાલી રહેલી ભાજપની બેઠકમાં આજે બુધવારે પાર્ટીએ 300થી વધુ બેઠકો માટે ઉમેદવારોની ચકાસણી કરી છે. બેઠકમાં 150થી વધુ બેઠકો પર ઉમેદવારોના નામ લગભગ નક્કી થઈ ગયા છે. ઉમેદવારોના નામને લઈને ભાજપના નેતાઓમાં આવતીકાલે પણ ચર્ચા જારી રહેશે. જો કે યુપી વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં ભાજપની બેઠક સમાપ્ત થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ મળી શકે છે, જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. વર્ષ 2017માં ભાજપ લગભગ 90 બેઠકો પર ચૂંટણી હારી હતી, જેમાંથી લગભગ અડધી બેઠકો પર ભાજપ ઉમેદવારો બદલી શકે છે. આ સિવાય ભાજપ કેટલાક એવા મંત્રીઓની બેઠક પણ બદલી શકે છે, જેમના રિપોર્ટ કાર્ડ સારા નથી અને જનતા તેમનાથી નારાજ હોય.
ભાજપની કોર કમિટીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાની 113 બેઠકો સહિત 150થી વધુ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. ગુરુવારે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સમિતિ દ્વારા તૈયાર કરાયેલી પેનલ પર વિચાર મંથન કરવામાં આવશે.
બુધવારે નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પશ્ચિમ યુપીની 71 અને બ્રજની 65 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી મોટાભાગની અને બીજા તબક્કાની 55 બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. કેટલીક સીટો પર સપા અને આરએલડીના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
આ સિવાય કેટલાક એવા નામો પર પણ મહોર લગાવવામાં આવી છે, જેમને તેમની વર્તમાન બેઠક પરથી ચૂંટણી લડવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ધારાસભ્યો સપામાં ગયા બાદ, પાર્ટીના ટોચના નેતાઓ હવે વર્તમાન ધારાસભ્યોની વધુ ટિકિટ કાપવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે જે બેઠકો પર સીટીંગ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે તો તે હારવાની ખાતરી છે. ગુરુવારે યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોના નામોની પેનલ મૂકવામાં આવશે.
સમિતિમાં નામો પર ચર્ચા કર્યા બાદ 14 કે 15 જાન્યુઆરીએ મળનારી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર માર્યા બાદ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. દિનેશ શર્મા, સંગઠન મહાસચિવ સુનીલ બંસલે હાજરી આપી હતી. જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહે વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
