- સુરતની સુમુલે દૂધમાં ઝીંકી દીધો ભાવ વધારો
- અમુલ બાદ સુમુલે પણ દૂધના ભાવ વધાર્યા
- સુમુલે દૂધના લિટરે 2 રૂ.નો ભાવ વધારો ઝીંક્યો
- મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ફટકો
- તાજા અને સુમુલ ગાયના દૂધમાં બે રૂ.નો વધારો
- સુમુલ ગાયનું દૂધ રૂ. 48 થી વધી 50 રૂ. થઈ ગયું
- સુમુલ તાજા દૂધના રૂ. 46 થી વધારી 48 કરી દેવાયા
- ભવિષ્યમાં સુમુલ અન્ય બ્રાન્ડમાં કરશે ભાવ વધારો
દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે,ખાવા પીવાથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ ખુબ ઝડપી વધી રહ્યા છે જેના લીધે સામાન્ય લોકોનો બજેટ ખોરવાયું છે.1 માર્ચથી અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવતા સુરતીઓના માથે વધુ એક મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.
અમુલ દૂધના ભાવ વધારા બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લિટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લિટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લિટરના ભાવથી મળશે. ભાવ વધારાના કારણે લોકો પર દૈનિક 24 કરોડનો બોજો પડશે.
ઉલ્લેખનીય છે કે, સુમુલ દરરોજ 12 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. જો કે, સુમુલ પાસે જૂના ભાવની કોથળી હોવાને લીધે અમૂલે દૂધના ભાવ વધાર્યા તેના 12 દિવસ બાદ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 9 મહિના પહેલા પણ જૂનમાં સુમુલ દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
