ઓછા લોકો હોય જે ગમતી વાત કરે અને લગભગ નહીંવત લોકો તો ક્યારેક અણગમતી વાતને ય ગમતી કરે ! નકલી ઝવેરાત ખરીદવા માટે પણ નાણાં તો સાચા જ જોઈએ તેમ જીવનમાં પણ ખોટા ઉપર વર્ચસ્વ તો હંમેશા સાચાનું જ છે; મતલબ સત્યને હેરાન કરી શકશો પણ પરાજીત કદાપી નહીં ! સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને પરંતુ જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ – કારણ કે, ગણતરીના જ સંબંધૉ એવા હોય છે જેમાં કોઈ ગણતરી નથી હોતી. શરીરમાં જે કામ શ્વાસ કરે છે ને, સંબંધમાં એ કામ વિશ્વાસ કરે છે ! જેમની સાથે અમે રહયા તેઓ મશહૂર થઈ ગયા, તેમની સાથ અમે હસ્યા તો અમારા આંસુ દૂર થઈ ગયા : ચમત્કાર જુઓ એ સંગાથનો – કાચમાંથી અમે સહુ કોહિનૂર થઈ ગયા. જો કે, આવા વિરલા જ્વેલ્લે જ તથા જુજ પાકે.
કહેવાયુ છે ને નોંધ પણ લેવાઈ છે : પિસ્તોલની અણીએ બેંકની લૂંટ કરનારા લૂંટારા શિખાઉ ને મૂર્ખ લોકો હોય છે – અસલી પેશેવર લૂંટારાઓ તો પોતાની બેંક જ ખોલી નાખે છે ને બેન્કર બની જાય છે ! બાળકોનું અપહરણ કરી ખંડણીની માંગણી કરતા ગુનેગારો મૂર્ખ હોય છે. અસલી અપહરણકાર તો પોતાની જ શાળા ખોલી નાંખે છે ને ટ્રસ્ટી બની જાય છે. સ્ત્રી પર બળાત્કાર કરનારા એકલદોકલ પુરુષ બહાવરો અને વાસના ભૂખ્યો અંધ હોય છે. અસલી બળાત્કારી તો સંયમી હોવાનો ડોળ કરી પોતાનો વિશાળ આશ્રમ ખોલી નાંખે છે ને બાબા, સાધુ કે ઓલિયા/ફકીર બની જાય છે. ગુસ્સાથી કોઈની હત્યા કરનારા માત્ર મૂર્ખ અપરાધી હોય છે. અસલી કૂખ્યાત હત્યારા તો બીજાને ઉશ્કેરી પોતાને જોઈતી હત્યાઓ કરાવે છે ને તે પોતાનો રાજકીય પક્ષ રચીને નેતા પણ બની જાય છે !
ખારાશ ગામના સૌની બાઝી પડી મને
દરીયો થવાની ખેવના ય કેવી નડી મને
કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો
શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને
દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે, નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના સારા, મોભાના દિવસો ભૂલતા નથી. તેઓ તેમના ઘરે લગાવેલી નેમ પ્લેટ (તકતી)માં કેવું કેવું લખાવે છે : નિવૃત્ત IFS/ નિવૃત IAS/ નિવૃત્ત IPS/ નિવૃત્ત PCS/ નિવૃત્ત ન્યાયાધીશ વગેરે વગેરે. નિવૃત્ત IFS/ IAS/ IPS/ DR/ PCS/ તહેસીલદાર/પટવારી/ બાબુ/ પ્રોફેસર/પ્રિન્સિપાલ/ શિક્ષક એવી વળી કયાં કોઈ પોસ્ટ છે ? માન્યુ કે તેઓ ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા; ઓફીસમાં વટ પણ હતો. પણ તેનું હવે શું ? વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે કે, આપણે સૌ ઓફિસમાં કોઈ પદ પર હતા ત્યારે કેવા માણસ હતા ? જીવનને સંવેદનાથી કેટલું સ્પર્શ્યું/કેવું જીવ્યા ? આપણે સામાન્ય લોકો ઉપર કેટલું ધ્યાન આપ્યું ? કેટલા મિત્રોના, કેટલા કામમાં આવ્યા, કર્મચારીઓને કેટલા કામમાં આવ્યા, પોતાની પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી ? લોકોને કેટલા મદદરૂપ થયા ? માત્ર અભિમાનમાં જ રહ્યા કે ? કોને કેટલા ઘકકા ખવડાવ્યા ? ઓફિસમાં રહીને જો અહંકાર જ કરતા હોય તો આ પદ વિનાની સ્થિતિ અવશ્ય યાદ રાખવી ઘટે.
આ લેખનો ભાવાર્થ સમજવા એક લોકવાયકા માણીએ. એક રાજાને ત્રણ પુત્રો હતા, પોતાના દીકરાઓને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ રાજા પોતાના ત્રણે પુત્રોને રાજ દરબારમાં બોલાવે છે અને તેમને કહે છે કે, આપણાં રાજ્યમાં માત્ર એક જ જામફળનું ઝાડ છે ને એ પણ જંગલમાં છે અને અહીંયાથી ઘણું દૂર છે. મેં મારા જીવનમાં જામફળનું ઝાડ ક્યારેય નથી જોયું. મારી ઈચ્છા છે કે તમે ત્રણે વારાફરતી ચાર મહિનાના અંતરે આ ઝાડને જોઈને આવો અને પછી મને કહો કે, જામફળનું ઝાડ ખરેખર કેવું દેખાય છે.
રાજાની વાતને માનીને રાજાના ત્રણે પુત્રો વારાફરતી ચાર મહિનાના અંતરાલે જંગલમાં જાય છે અને જામફળના ઝાડને જોઈને આવે છે. જામફળનું ઝાડ જોયા પછી ત્રણે દીકરાઓ રાજાને મળે છે અને રાજાને કહે છે કે પિતાજી અમે ત્રણે ય વારાફરતી જઈને જામફળનું ઝાડ જોઈ લીધું છે.
રાજા તેમના દીકરાઓને જામફળના ઝાડનું વર્ણન કરવાનું કહે છે. રાજાનો પહેલો પુત્ર કહે છે, ઝાડ તો એકદમ સુકાયેલું હતું. ત્યારે રાજાનો બીજો પુત્ર કહે છે, નહીં ભાઈ, ઝાડ સુકાયેલું નહોતું, તે તો લીલુછમ જેવું હતું પરંતુ તેમાં ફળ નહોતા. તે વાત સાંભળીને રાજાના ત્રીજા પુત્ર કહે છે, ફળ લાગેલા છે; તમે બન્ને એ કોઈ ખોટા ઝાડને જોઈ લીધું છે, કેમકે જે ઝાડ હું જોઈને આવ્યો છું તે તો લીલુછમ હતું અને તેની ઉપર ઘણાં બધા જામફળ પણ ઉગેલા હતા. રાજાના આ ત્રણે દીકરા પોતાની વાતને ઉંચી ને ખરી રાખવામાં જ કામે લાગી જાય છે.
ત્યારે રાજા ત્રણે દીકરાઓને શાંત કરે છે અને કહે છે કે તમે ત્રણે એ ઝાડનું વર્ણન સાચી રીતે જ કર્યું છે. મેં તમને ત્રણેને જુદી જુદી ઋતુમાં જામફળનું ઝાડ જોવા માટે મોકલ્યા હતા અને તમે જે ઝાડનું વર્ણન કરી રહ્યા છો તે ઋતુ મુજબ છે.
જ્યારે રાજાના ત્રણે પુત્ર તેમને પૂછે છે કે તમે એવું કેમ કર્યું ? ત્યારે રાજા પોતાના દીકરાઓને કહે છે કે મારા પછી તમારે જ આ રાજ્ય સંભાળવાનું છે અને હું તમને ત્રણેયને જીવનમાં સફળ થવાની સીખ / માહિતી આપવા માગું છું. હવે જે જ્ઞાન આપવા જઈ રહ્યો છું, તમે તેને સારી રીતે યાદ રાખી લો.
પહેલું જ્ઞાન – વિષય, વસ્તુ, કે માણસ વિષે પોતાનો અભિપ્રાય બનાવતા પહેલા તેને લાંબા સમય સુધી જાણો.
બીજું જ્ઞાન – જેવી રીતે ઋતુ એક સરખી નથી રહેતી. એવી રીતે માણસના જીવનમાં સમય પણ એક સરખો નથી રહેતો ને જીવનમાં ઉતારચડાવ આવતા રહે છે. જીવનમાં ખરાબ સમય ક્યારેક ને ક્યારેક આવે છે અને તે પસાર પણ થઈ જાય છે. બસ ધીરજ જાળવી રાખો. પહેલા જામફળનું ઝાડ સુકાઈ જાય છે પરંતુ પછી તેમાં પાંદડા આવે છે, પછી ફળ આવે. એવી રીતે જ જીવનમાં તકલીફો આવે છે, થોડા સમય માટે રહે છે અને પછી જતી રહે છે.
ત્રીજું જ્ઞાન – તમે ત્રણેય પોતાની વાત ઉપર વળગી રહ્યા અને તેને કારણે જ તમે જામફળના ઝાડનું સારી રીતે વર્ણન ન કરી શક્યા. એટલા માટે જીવનમાં ક્યારે પણ પોતાની વાત ઉપર વળગ્યા ન રહો અને કોઈપણ વસ્તુ વિષે કોઈ નિર્ણય લેતા પહેલા બીજાની સલાહ પણ લઈએ.
હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર, આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાના !?ભૂલવા જેવી ઘટનાઓને ભૂલતા શીખીએ ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતા શીખીએ એવી શુભેચ્છાઓ સહ મંગલ કામના.
હૈયાહોળી બૂઝીને લાવે રંગની રેલી,
વ્યથા સૌ જલી હો હરખની હેલી !
હું ભરું રંગ મુઠ્ઠી – તું લાવ કોરું મન,
કેસુડાની સાખે વગડો થશે વૃંદાવન !
તાસીર જો ન સુધારે તો રંગો લગાડ,
હૈયામાં ય થોડી ભીનાશ તો જગાડ !
આ પણ વાંચો :ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે
આ પણ વાંચો :જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ
આ પણ વાંચો : સથરા ગામ બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ
આ પણ વાંચો :અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની સામુહિક હત્યા,દુર્ગંધના કારણે થયો ખુલાસો
