આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે શનિવારે શ્રીલંકાને 40,000 ટન ડીઝલ મોકલ્યું હતું. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધ્યક્ષ સુમિત વિજેસિંઘેએ જણાવ્યું હતું કે, આજે સાંજથી ઇંધણનું વિતરણ શરૂ થશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઇંધણ સ્ટેશનો માટે આ સારા સમાચાર છે, જેમને છેલ્લા કેટલાક દિવસોથી પુરવઠો નથી.
રિપોર્ટ અનુસાર, 40 હજાર ટન ચોખાનું કન્સાઈનમેન્ટ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારીમાં છે. બંને દેશોએ ગયા મહિને $1 બિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી, ભારત તરફથી શ્રીલંકાને આ પ્રથમ મોટી ખાદ્ય સહાય હશે. એવું માનવામાં આવે છે કે, આની મદદથી શ્રીલંકામાં સરકાર ખાદ્યપદાર્થોની કિંમતોને નીચે લાવવામાં અમુક હદ સુધી સફળ થશે, જે છેલ્લા એક વર્ષમાં બમણી થઈ ગઈ છે.
પટ્ટાભી એગ્રો ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર બીવી કૃષ્ણા રાવે કહ્યું કે અમે પહેલા કન્ટેનર લોડ કરી રહ્યા છીએ. શિપ-લોડિંગ પ્રક્રિયા થોડા દિવસોમાં શરૂ થશે. આ પેઢી ભારત અને શ્રીલંકાની સરકારો વચ્ચે ક્રેડિટ સુવિધા કરાર હેઠળ શ્રીલંકા સ્ટેટ ટ્રેડિંગ (જનરલ) કોર્પને ચોખા સપ્લાય કરી રહી છે.
શ્રીલંકા દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે
ડીઝલ શિપમેન્ટ શ્રીલંકાની સરકાર માટે વધારાની $500 મિલિયન બળતણ સહાયનો એક ભાગ છે. શ્રીલંકા દાયકાઓમાં તેના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અહીં આસમાને છે. આ અઠવાડિયે દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે, જેના કારણે ફિલિંગ સ્ટેશનો પર સશસ્ત્ર સૈનિકોને તૈનાત કરવાની ફરજ પડી છે. તેમજ અહીં 13 કલાકથી વીજકાપ છે.
આર્થિક સંકટને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશવ્યાપી જાહેર ઈમરજન્સી જાહેર કરી છે. રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી જાહેર કટોકટી જાહેર કરી હતી.
આ પણ વાંચો: પંજાબના CM માનનો મોટો દાવો મોદી સરકારે પઠાણકોટ હુમલા વખતે કરી હતી આ માંગણી
