પાકિસ્તાનના કરાચી શહેરમાં મંગળવારે બપોરે એક યુનિવર્સિટી પર ફિદાયીન હુમલો થયો હતો. 5 લોકોના મોત થયા છે. આ હુમલો કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ નજીક એક કાર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા 5 લોકોમાંથી ત્રણ ચીનની મહિલા પ્રોફેસર છે. ચોથો તેમનો પાકિસ્તાની ડ્રાઈવર અને પાંચમો ગાર્ડ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ચીની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
કરાચીના પોલીસ વડા ગુલામ નબી મેમને ધ ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે આ એક ફિદાયીન હુમલો હતો અને તેને બુરખો પહેરેલી એક મહિલાએ અંજામ આપ્યો હતો. માર્યા ગયેલા લોકોમાં ત્રણ ચીની મહિલા પ્રોફેસર, તેમના ડ્રાઈવર અને ગાર્ડનો સમાવેશ થાય છે.
કરાચી હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ચીન અને પાકિસ્તાનને સીધી ધમકીઓ આપવામાં આવી છે. વીડિયોમાં એક માસ્ક પહેરેલો વ્યક્તિ કહે છે – અમે પાકિસ્તાની સેના અને ચીનની સરકારને બલૂચિસ્તાન છોડવા માટે કહીએ છીએ. તેઓએ અમારા ગામડાઓને બરબાદ કરી દીધા છે. અમે ચીન પર હુમલો કરવા માટે એક નવું યુનિટ બનાવ્યું છે. તે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) માટે કામ કરી રહેલા ચીનીઓને નિશાન બનાવશે.
