Nepal Flood and Tibet Earthquake Crisis: નેપાળમાં વિનાશક પૂરના કારણે સર્જાયેલી હોનારતને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, છતાં સ્થિતિ સામાન્ય થઈ નથી. પૂરમાં મૃત્યુઆંક વધીને 1,300 સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે 5,000થી વધુ લોકો હજુ લાપતા છે. લાપતા લોકોના જીવિત મળવાની આશા ઓછી થતાં અનેક પરિવારોએ હવે આપ્તજનોના પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર શરૂ કર્યા છે. આ મુશ્કેલ સ્થિતિ વચ્ચે તિબેટની ધરતી પણ ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે.
Tibetમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સના જણાવ્યા અનુસાર, તિબેટમાં(Tibet) ગુરુવારે 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ તાત્કાલિક કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.
હિમશિખરો તૂટવાનું જોખમ વધ્યું
ચીને તિબેટીયન(Tibet) પઠારની વધતી અસ્થિરતા અંગે ચેતવણી આપી છે. ચીનના નેશનલ ક્લાઈમેટ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર ગાઓ રોન્ગના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 60 વર્ષથી વધુ સમયગાળામાં તિબેટીયન પઠાર પરના હિમશિખરોમાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળામાં લગભગ 7,000 નાના હિમશિખરો અદૃશ્ય થઈ ગયા હોવાનું પણ જણાવાયું છે. હિમશિખરોની માળખાકીય સ્થિરતા ઘટતા ભવિષ્યમાં હિમશિખરો તૂટવાથી કુદરતી હોનારતોનું જોખમ વધી શકે છે.
નેપાળમાં પરિવારજનોની આશા તૂટી રહી છે
બીજી તરફ નેપાળમાં હજારો પરિવારો હજુ પણ પોતાના લાપતા સ્વજનોની શોધ કરી રહ્યા છે. દિવસો પસાર થતાં તેમના જીવિત મળવાની આશા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. નુવાકોટમાં અનેક પરિવારોએ લાપતા સ્વજનોના પ્રતિકાત્મક દાહસંસ્કાર શરૂ કર્યા છે. નદી કિનારે ઘાસના પૂળા મૂકીને તેના પર સ્વજનોની તસવીરો અને પ્રતીકો રાખવામાં આવે છે અને ભારે હૃદયે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે.
મૃતદેહોની ઓળખ પણ મોટો પડકાર
નેપાળમાં હજુ અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. કેટલાક મૃતદેહોને અધિકારીઓએ અસ્થાયી રીતે દફનાવી દીધા છે, જ્યારે અનેક મૃતદેહો ખરાબ થવા લાગ્યા છે. હોસ્પિટલ અને શબઘરોમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. કાઠમંડૂની હોસ્પિટલમાં 100થી વધુ લોકો DNA તપાસ માટે લોહીના નમૂના આપવા રાહ જોઈ રહ્યા છે, જેથી લાપતા સ્વજનોની ઓળખ થઈ શકે.
પૂર બાદ નેપાળમાં વીજળીનું સંકટ પણ વધુ ઘેરાયું છે. વિનાશક પૂરમાં અનેક પાવર સ્ટેશનોને(Tibet) નુકસાન પહોંચ્યું હોવાના કારણે હજારો લોકોને વીજળી વિના રહેવાની ફરજ પડી રહી છે. એક તરફ સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ વીજળી તથા અન્ય મૂળભૂત સુવિધાઓની અછત વચ્ચે નેપાળના લોકો હજુ પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર
આ પણ વાંચો: નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ
આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું
