Nepal Flood Alert Delay: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરને લઈને હવે માત્ર જાનહાનિ જ નહીં, પરંતુ લોકોને ચેતવણી આપવામાં થયેલા કથિત વિલંબ પર પણ સવાલો ઊભા થયા છે. પૂર આવતાં પહેલાં સ્થાનિક લોકો, જિલ્લા પ્રશાસન અને વડાપ્રધાન કાર્યાલય સુધી માહિતી કયા સમયે પહોંચી હતી, તેને લઈને અલગ-અલગ દાવા સામે આવ્યા છે.
એલર્ટના સમયને લઈને અલગ-અલગ દાવા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચીન તરફથી રસુવા જિલ્લા પ્રશાસનને સવારે લગભગ 9 વાગ્યે પૂરની માહિતી મળી હતી. ત્યારબાદ નદીના બંને કાંઠે રહેતા લોકો માટે SMS એલર્ટ મોકલવામાં આવ્યું હતું. જોકે, વડાપ્રધાન કાર્યાલય તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે જિલ્લા પ્રશાસન પાસેથી તેમને સવારે 8:40 વાગ્યે જ પૂર અંગે માહિતી મળી ગઈ હતી. બીજી તરફ, Nepalના કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને મિત્રો અને સંબંધીઓ દ્વારા સવારે 7:30 વાગ્યે જ ખતરાની જાણ થઈ ગઈ હતી.

સ્કૂલના આચાર્યે ઘંટડી વગાડાવી, બાળકો બચી ગયા
ત્રિશુલી વિસ્તારમાં એક સ્કૂલના આચાર્યને ઉપરવાસમાંથી પૂરની જાણ થતાં તેમણે તરત જ સ્કૂલની ઘંટડી સતત વગાડવાનો આદેશ આપ્યો હતો. સ્કૂલમાં લગભગ 1,600 વિદ્યાર્થીઓ હતા. પૂરનું પાણી ખૂબ જ ઝડપથી વધ્યું અને શાળાની ઇમારત પણ તેની ઝપેટમાં આવી ગઈ. જોકે સમયસર બાળકોને બહાર કાઢવામાં આવ્યા અને બાદમાં રેસ્ક્યુ ઓપરેશન દ્વારા તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.
ભૂકંપ બાદ ડેટા સિસ્ટમ બંધ થઈ ગઈ
આ ઘટનામાં વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. હવામાન વિભાગ પ્રમાણે સવારે 8:37 વાગ્યે નેપાળ-તિબેટ(Nepal) સરહદ નજીક ભૂકંપ આવ્યો હતો. તેના માત્ર 13 મિનિટ બાદ નદીના પાણીનું સ્તર માપતી ડેટા રિસીવિંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ભૂકંપ બાદ લ્હેંદે ખોલા વિસ્તારમાં પહાડનો મોટો હિસ્સો બરફ અને ખડકો સાથે નદીમાં પડ્યો હોવાની માહિતી છે. ત્યારબાદ પૂરનું પાણી અત્યંત ઝડપથી નીચેના વિસ્તારો તરફ આવ્યું.
બે મિનિટમાં આખું બજાર પાણીમાં સમાયું
ત્રિશૂલી બજારના એક સ્થાનિક વેપારી દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં પૂર(Nepal) કેટલી ઝડપથી આગળ વધી રહ્યું હતું તે જોવા મળ્યું. સવારે 9:36 વાગ્યે પાણી બજાર તરફ આવતું દેખાતું હતું, જ્યારે માત્ર બે મિનિટ બાદ લેવામાં આવેલી તસવીરમાં બજારનો મોટો વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ચીનની સેટેલાઇટ સિસ્ટમ પર પણ સવાલ
નેપાળમાં(Nepal) વિપક્ષે ચીનની સેટેલાઇટ સિસ્ટમને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપરવાસમાં ગ્લેશિયર અને નદીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી, તો ખતરાની માહિતી વધુ વહેલી કેમ ન મળી? હવે સૌથી મોટો સવાલ એ છે કે વિનાશ એટલો ઝડપી હતો કે એલર્ટ માટે સમય જ ન મળ્યો, કે પછી ચેતવણી વ્યવસ્થામાં ક્યાંક ગંભીર ખામી રહી ગઈ?
આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું
આ પણ વાંચો: સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અપીલથી વધી ગરમાવો
આ પણ વાંચો: તિબેટમાં પૂરથી તબાહી; લાખો લોકો લાપતા છતાં ચીને દુનિયાથી છુપાવ્યા મોત અને નુકસાનના આંકડા
