National News/ ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલના 13 વર્ષની સેવા બાદ રાજીનામાથી આશ્ચર્ય

પ્રસિદ્ધ IAS Divya Mittalએ 13 વર્ષની સેવા બાદ રાજીનામું આપી દીધું છે. લંડનની નોકરી છોડીને દેશ સેવા માટે આવેલા દિવ્યા મિત્તલની સફર જાણીને તમે પણ પ્રભાવિત થઈ જશો.

NATIONAL Top Stories India
IAS Divya Mittal

IAS Divya Mittal Resignation: ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલે 13 વર્ષની સરકારી સેવા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી અને પોતાની સરકારી સેવાના સમગ્ર સફરને યાદગાર ગણાવી છે. રાજીનામા સાથે તેમણે પોતાના સંઘર્ષ, લોકો સાથેના અનુભવ અને દેશ માટે કંઈક કરવાની પોતાની ભાવના વિશે પણ વાત કરી છે.

IIT અને IIM બાદ લંડનની નોકરી છોડી ભારત પરત ફર્યા

દિવ્યા મિત્તલે(IAS Divya Mittal) પોતાના સંદેશમાં જણાવ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં તેમણે જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા રાખી હતી. તેમણે IIT દિલ્હી અને IIM બેંગલુરુમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમને લંડનમાં નોકરી મળી. પરંતુ વિદેશમાં સારી નોકરી અને સુવિધાઓ હોવા છતાં તેમને પોતાના દેશથી દૂર રહેવું ગમ્યું નહીં. તેમને લાગ્યું કે જીવનમાં બધું હોવા છતાં કંઈક અધૂરું છે. ત્યારબાદ તેમણે ભારત પરત આવીને સિવિલ સર્વિસમાં જોડાવાનો નિર્ણય કર્યો અને IAS બનવાનું સપનું સાકાર કર્યું.

દેવરિયા અને મિર્ઝાપુરમાં સેવા દરમિયાન મળ્યો અલગ અનુભવ

IAS તરીકેની સેવા દરમિયાન દિવ્યા મિત્તલે(IAS Divya Mittal) દેવરિયા અને મિર્ઝાપુર સહિતના વિસ્તારોમાં કામ કર્યું. જરૂરિયાતમંદ પરિવારો, દિવ્યાંગ લોકો અને ખેડૂતો સાથે જોડાયેલા કામ દરમિયાન તેમને સરકારી યોજનાઓની વાસ્તવિક અસર નજીકથી સમજવા મળી. તેમણે કહ્યું કે સરકારી ફાઇલની પાછળ માત્ર એક નંબર કે કાગળ નથી હોતો, પરંતુ એક વ્યક્તિની આશા અને જરૂરિયાત જોડાયેલી હોય છે.

લોકોના વિશ્વાસે મુશ્કેલ સમયમાં હિંમત આપી

દિવ્યાએ(IAS Divya Mittal) સ્વીકાર્યું કે શરૂઆતમાં તેમને લાગતું હતું કે તેઓ લોકો માટે કંઈક કરવા આવી છે, પરંતુ સમય જતાં તેમની વિચારસરણી બદલાઈ. તેમના મતે સેવા દરમિયાન તેમને લોકો પાસેથી જે પ્રેમ અને સન્માન મળ્યું તે તેમની સૌથી મોટી કમાણી છે. તેમણે પોતાના સહકર્મીઓ અને અધિકારીઓનો પણ આભાર માન્યો.

એક વૃદ્ધ મહિલાનો આશીર્વાદ આજે પણ યાદ છે

દિવ્યા મિત્તલે(IAS Divya Mittal) પોતાના સંદેશમાં એક વૃદ્ધ મહિલાની ઘટના પણ યાદ કરી. તેમના ગામમાં જ્યારે પહેલીવાર પાણી પહોંચાડવામાં આવ્યું ત્યારે મહિલાએ કંઈ કહ્યું નહોતું, પરંતુ દિવ્યાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. દિવ્યાના જણાવ્યા પ્રમાણે IASનું પદ હવે તેમની પાસે નથી, પરંતુ લોકોનો આ આશીર્વાદ અને દેશ માટે કંઈક સારું કરવાની ઈચ્છા તેમની સાથે હંમેશા રહેશે.


આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, આગામી મુખ્ય સચિવની રેસમાં મહિલા IAS અધિકારીઓનાં નામો

આ પણ વાંચો:નિવૃત્ત IAS એમ.કે. દવે ગુજરાતના રાજ્યપાલના નવા સચિવ તરીકે નિયુક્ત

આ પણ વાંચો:ગુજરાતમાં અનોખી સિદ્ધિ: એક જ પરિવારના 3 IAS અને 1 IPS, પિતા-પુત્ર-પુત્રવધૂ-દીકરી સનદી સેવામાં