આગ/ વડોદરા નંદેસરી વિસ્તારમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે લાગી ભીષણ આગ,8 ઇજાગ્રસ્ત,700 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી

Top Stories Gujarat

વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું છે અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા.આગની ઘટનામાં 8 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢીયાપુરા ગામના 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે.

ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને ડોક્ટરો સહિત 25 લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કંપનીના આસપાસના ગામના 700 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. કંપનીના 5 વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી તે સલામત છે તેવી પ્રાથમિક માહિતી છે અને આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.

વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 90 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે. તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા છે. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.