ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)… આઈએએસ કે આઈપીએસ માત્ર એક હોદ્દો નથી. સમાજ અને દેશ માટે કશુંક કરી છુટવાની ભાવના અને સામાન્ય નાગરિક કરતા વિશેષ જવાબદારી છે. એક એવી જવાબદારી છે જેમાં જે તે શહેર કે સામાન્ય માણસની સુવિધા, વિકાસ અને રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પરંતુ કેટલાક અધિકારીઓ બનીને જે જનહિતાય, જનસુખાય માટે કાર્ય કરવાની સાથે પોતાનું હિત અને સુખ સચવાય તેવા કામ પણ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આઈએએસ અને આઈપીએસ જેવા ટોચના અધિકારી દ્વારા કરવામાં આવેલા મોટા મોટા કૌભાંડ પરથી પરદા ઉઠી રહ્યા છે અને અધિકારીઓ ઉપરથી સામાન્ય માણસનો વિશ્વાસ હચમચી રહ્યો છે. આવું જ એક કૌભાંડ હાલ ચર્ચામાં આવ્યું છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર અગ્રસચિવ એસ.જે. હૈદર સામે રૂ.4.37 કરોડના કૌંભાંડ આચરવાની મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
આ બાબતે મળતી વધુ વિગત મુજબ મુખ્યમંત્રી કાર્યાલયમાં તારીખ 10 જૂન 2022 શુક્રવારનાં રોજ એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ કોઈ સામાન્ય વ્યક્તિ સામે નહિ પરંતુ અગ્રસચિવ એસ.જે.હૈદર સામે કરોડો રૂપિયાનાં કૌભાંડ આચરવા અંગે કરવામાં આવી છે. લેખિતમાં જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અગ્ર સચિવ એસ.જે.હૈદરે તેની સત્તાનો દૂરઉપયોગ કર્યો છે અને એસટી નિગમમાં કૌંભાંડ આચર્યું છે. એસટી નિગમના તત્કાલીન એમ.ડી.તરીકે આઈએએસ એસ.જે. હૈદરે એવા આધીકારીઓની નિમણુક કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કે જે અધિકારીઓએ સત્તાનો દૂરઉપયોગ કર્યો હોય અને તેને ગંભીર ગુના માટે આકરી સજા થઈ હોય તેવા અધિકારીઓને મહાત્વાના હોદા પર નિમણુક કરી મોટી જવાબદારી આપી હતી. સાથે સાથે PPP ધોરણે પાટણ બસ પોર્ટના નિર્માણ કરવા અન્વયેના ટેન્ડરની શરત મુજબ ડેવલપર દ્વારા કન્સેશનન ફી અને અન્ય સિક્યોરિટીના ભાગરૂપે રૂ.4.37 કરોડની બેંક ગેરંટી નિગમને અપાઈ હતી. જેની વેલિડિટી તા. 27-7-20માં પૂર્ણ થઈ હતી. આ બેંક ગેરંટી ડેવલપર દ્વારા પુનઃરિન્યુ કરી બાકીના સમયગાળા માટે આટલી જ રકમની બેંક ગેરંટી પુનઃજમા કરાવવા નિગમ દ્વારા શ્રી ડેવલપર પેઢીને લેખિતમાં સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ તત્કાલીન જનરલ મેનેજર આઈ.આર.વાળા અને એમ.ડી. એસજે હૈદર દ્વારા ડેવલપરને ફાયદો કરાવવા નિયમો વિરુદ્ધનો નિર્ણય કરી તેની પાસેથી બેંક ગેરેંટી ન લેવા અને બેંક ગેરંટી એન્કેશ ના કરવાનો નિર્ણય કરી નિગમને રૂ. 4.37 કરોડનું નુકસાન કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો લેખિત ફરિયાદમાં ઉલ્લેખ છે. ઉપરાંત એસટી નિગમમાં સફાઈ એજન્સી શિવશક્તિ સફાઈ કામદાર ઔદ્યોગિક સહકારી મંડળી દ્વારા રાજ્યના પ્રત્યેક બસ ડેપોમાં રોકેલા 4 થી 10 સફાઈ કામદારોની મિનિમમ વળતર મુજબ ચૂકવાતા પગાર અનુસાર 30 મહિનાના સમયગાળાની કુલ રૂ.90 લાખથી વધુ રકમનો ESIC સરકારમાં જમા ના કરાવી નિગમ/સરકારને ગેરમાર્ગે દોરી અને ESICની રકમ નિગમમાંથી મેળવી લઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ લેખિત ફરિયાદમાં કેટલીક બાબતો અંગે ભીનું સંકેલવા પ્રયત્ન થયો હોય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈએએસ એસ.જે.હૈદરવર્તમાન સમયમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. સિનિયર અધિકારી એસ.જે.હૈદર કલાઈમેન્ટ ચેઈન્જ અને ટુરીઝમ ડીપાર્ટમેન્ટ સહીત અનેક મહત્વનાં હોદ્દા ઉપર ફરજ નિભાવી ચુક્યા છે.
આ પણ વાંચો : ભાજપના કાર્યક્રમમાં પોલીસનું સન્માન જળવાતું નથી : કોંગ્રેસ
