ગાંધીનગર
અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે મંગળવારે ગુજરાત સરકારે ઇંધણ પર લાગતા વેટમાં 4 ટકાનો ઘટાડો કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.મંગળવારે સવારે સીએમ વિજય રૂપાણીએ વેટમાં ઘટાડાની જાહેરાત કરતાં રાજ્યમાં પેટ્રોલ 2.93 રૂપિયા અને ડીઝલમાં 2.72 રૂપિયાનો ઘટાડો થયો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરેલા ઘટાડાથી 2316 કરોડ રુપિયાની આવકમાં ઘટાડો થશે. તો સરકારે આવું પણ અનુમાન લગાવ્યું છે કે, આ ભાવ ઘટાડા બાદ બીજા રાજ્યની ગુડ્સ ટ્રકો પણ ગુજરાતમાં ડીઝલ ભરાવવાનો આગ્રહ રાખશે જેનાથી આવક સરભર થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો અમલ આજ રાતથી જ શરૂ થશે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 ટકાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્ય સરકારોનો પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટ અને બીજા ટેક્સ ઘટાડવા અપીલ કરી હતી.એ પછી ગુજરાત સરકારે પણ ઇંધણ પણ લેવાતા ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી.
