Gujarat ITI Electric Car: અત્યારનો સમય ઇલેક્ટ્રિક વાહનોનો (EV) છે અને ભવિષ્યમાં તેમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનો અને શ્રમિકો માટે બે મોટી ભેટ આપી છે. ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યની વિવિધ ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ) ને પ્રેક્ટિકલ તાલીમ માટે 40 ઇલેક્ટ્રિક કાર અર્પણ કરી છે. આ સાથે જ બાંધકામ શ્રમિકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે 50 નવા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ અને 6 મોબાઇલ મેડિકલ વાનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે.

8000થી વધુ ITI વિદ્યાર્થીઓ બનશે ‘EV એક્સપર્ટ’
અત્યાર સુધી ITI માં મોટર મિકેનિક ટ્રેડમાં માત્ર પેટ્રોલ-ડીઝલ વાહનોની જ તાલીમ અપાતી હતી. પરંતુ હવે ઓટોમોબાઇલ સેક્ટરમાં બેટરી ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક પાવરટ્રેનની માંગ ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નવા નિર્ણયથી, 40 ઇલેક્ટ્રિક કારની મદદથી રાજ્યના 8000 થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ની પ્રેક્ટિકલ અને આધુનિક તાલીમ મેળવી શકશે. આ નવી પહેલથી ભવિષ્યમાં ઉદ્યોગોને જરૂરી સ્કીલ્ડ મેનપાવર સરળતાથી મળી રહેશે અને યુવાનો પણ આધુનિક ટેકનોલોજી શીખીને આત્મનિર્ભર બની સારી રોજગારી મેળવી શકશે.

50 નવા ધન્વંતરિ આરોગ્ય રથ
બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના મજૂરોને નાની-મોટી બીમારીમાં દવાખાને જવાના કારણે પોતાની રોજગારી ન ગુમાવવી પડે તે માટે સરકારે આરોગ્ય રથની સુવિધામાં વધારો કર્યો છે. આ આરોગ્ય રથ શ્રમિકોના કામના સ્થળે કે તેમના ઘરઆંગણે જઈને તાવ, ઝાડા-ઉલટી અને ચામડીના રોગો જેવી સામાન્ય બીમારીઓની મફત સારવાર કરશે. એટલું જ નહીં, આ રથમાં જ લોહી, પેશાબ, બ્લડ સુગર અને મેલેરિયા જેવી વિવિધ લેબોરેટરી તપાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને બાળકોને પણ આ રથ દ્વારા પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓ કોઈપણ ખર્ચ વિના પૂરી પાડવામાં આવશે.
રાજ્યમાં હવે કુલ 206 ધન્વંતરિ રથ કાર્યરત
આજના નવા 54 રથ અને 6 વાનના લોકાર્પણ બાદ હવે ગુજરાતના 34 જિલ્લાઓમાં કુલ 206 ધન્વંતરિ આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન શ્રમિકોની સેવામાં કાર્યરત થઈ ગયા છે.
આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા, વિભાગના સચિવ લોચન સહેરા, તાલીમ નિયામક નીતિન સાંગવાન અને લેબર કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
