Ahmedabad News/ હાઈકોર્ટનો સંવેદનશીલ ચુકાદો! વડોદરાની દુષ્કર્મ પીડિત સગીરા નહીં કરાવી શકે ગર્ભપાત, સરકારે લીધી આ મોટી જવાબદારી

વડોદરાની 26 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી. જીવના જોખમને જોતા કોર્ટે ડિલિવરી અને 6 મહિનાનો ખર્ચ સરકારને ઉપાડવા આદેશ કર્યો.

Gujarat Top Stories Ahmedabad Vadodara

Gujarat High Court Abortion Order: દુષ્કર્મનો ભોગ બનેલી વડોદરાની એક સગીરાના ગર્ભપાતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સગીરાના જીવ પર રહેલા ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને કોર્ટે 26 સપ્તાહના ગર્ભને દૂર કરવાની (ગર્ભપાતની) મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, કોર્ટે પીડિતાને મોટી રાહત આપતા આદેશ કર્યો છે કે સગીરાની ડિલિવરીથી લઈને આવનારા 6 મહિના સુધી માતા અને બાળક બંનેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

Abortionની અરજી કેમ નામંજૂર થઈ? 

દુષ્કર્મ બાદ સગીરા 26 સપ્તાહની ગર્ભવતી હોવાથી તેણે આ બાળકને જન્મ ન આપવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ સંવેદનશીલ કેસમાં કોર્ટે 11 માર્ચે વડોદરાની SSG (સયાજી) હોસ્પિટલના મેડિકલ બોર્ડને પીડિતાની શારીરિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

બોર્ડના રિપોર્ટ મુજબ, હાલના તબક્કે ગર્ભપાત કરાવવો તે બાળકને જન્મ આપવા કરતાં સગીરા માટે વધુ જોખમી છે. વધુમાં, જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે તો તેને શ્વાસની ગંભીર તકલીફ અને બ્રેઈન હેમરેજ જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે બાળકને વેન્ટિલેટર પર પણ રાખવું પડી શકે. આ ગંભીર તબીબી જોખમોને જોતા હાઈકોર્ટે ગર્ભપાતની અરજી ફગાવી દીધી છે.

રાજ્ય સરકાર 6 મહિના સુધી ઉઠાવશે તમામ ખર્ચ

કોર્ટે પીડિતાની મજબૂરી સમજીને આદેશ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા ડિલિવરી સમયે સગીરાની પૂરતી અને ખાસ કાળજી રાખવામાં આવે. આ સાથે જ ઐતિહાસિક આદેશ આપતા જણાવ્યું છે કે, સગીરાની ડિલિવરીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો રહેશે. એટલું જ નહીં, બાળકના જન્મ બાદ આવનારા 6 મહિના સુધી માતા અને બાળકની દેખરેખ અને ભરણપોષણનો ખર્ચ પણ સરકાર જ આપશે.

કોર્ટના ઐતિહાસિક નિર્દેશો

પીડિતાના સામાજિક પુનર્વસન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વના આદેશો આપ્યા છે. જો સગીરા બાળકના જન્મ બાદ તેને પોતાની પાસે રાખવા ન માંગતી હોય, તો તેની ઈચ્છા જાણીને બાળકને કાયદેસર રીતે ‘ચાઈલ્ડ એડોપ્શન એજન્સી’ને સોંપી દેવામાં આવશે. આ ઉપરાંત, જો સગીરા પોતાના પરિવાર સાથે રહેવા તૈયાર ન હોય, તો તેને સુરક્ષિત રીતે ‘નારી સંરક્ષણ ગૃહ’માં આશરો આપવામાં આવશે. સગીરા ભવિષ્યમાં આત્મનિર્ભર અને પગભર થઈ શકે તે હેતુથી તેને જરૂરી વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે, તેમજ તેના આગળના અભ્યાસ અંગેનો અંતિમ નિર્ણય ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા લેવામાં આવશે.


આ પણ વાંચો:જેતપુર: બળજબરી પૂર્વક અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ! પોલીસ કાર્યવાહી ન થતા દુષ્કર્મ પીડિતાએ પીધી દવા

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર! 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ