Chili Burn Remedies: રસોડામાં રસોઈ બનાવતી વખતે લીલા મરચાંનો ઉપયોગ અનિવાર્ય છે, પરંતુ ઘણીવાર મરચાં (Chili) કાપ્યા પછી હાથમાં ભીષણ બળતરા થવા લાગે છે. આ બળતરા એટલી તીવ્ર હોય છે કે સાબુથી હાથ ધોવા છતાં પણ શાંત થતી નથી. હકીકતમાં, મરચામાં ‘કેપ્સૈસિન’ (Capsaicin) નામનું તત્વ હોય છે, જે ત્વચાના સંપર્કમાં આવતા જ બળતરા પેદા કરે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ, તો રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા તમે તરત જ રાહત મેળવી શકો છો. મરચાની બળતરા દૂર કરવા માટેના અસરકારક ઉપાયો.
ઠંડુ દૂધ અથવા દહીંનો ઉપયોગ
મરચામાં (Chili) રહેલું ‘કેપ્સૈસિન’ તેલ જેવું હોય છે જે પાણીથી સાફ થતું નથી, પરંતુ ડેરી પ્રોડક્ટ્સમાં રહેલું પ્રોટીન તેને તોડવામાં મદદ કરે છે. જો તમારા હાથમાં બળતરા થતી હોય, તો એક વાટકીમાં ઠંડુ દૂધ લો અને તેમાં 5 થી 10 મિનિટ સુધી તમારા હાથ ડુબાડી રાખો. દૂધમાં રહેલું કેસીન પ્રોટીન મરચાના તીખાશને ખેંચી લેશે. તેવી જ રીતે હાથ પર ઠંડુ દહીં લગાવવાથી પણ તરત જ ઠંડકનો અનુભવ થાય છે.
એલોવેરા જેલની ઠંડક
એલોવેરા જેલ તેના કુદરતી ઠંડક આપવાના ગુણો માટે જાણીતું છે. મરચાની બળતરાના કારણે જો ત્વચા લાલ થઈ ગઈ હોય, તો તાજું એલોવેરા જેલ હાથ પર લગાવો. તે ત્વચાને શાંત કરે છે અને બળતરામાં રાહત આપે છે. જો તમારી પાસે એલોવેરા જેલ ન હોય, તો તમે બરફના ટુકડાને રૂમાલમાં લપેટીને પણ હાથ પર ઘસી શકો છો, જેનાથી રક્તવાહિનીઓ સંકોચાય છે અને બળતરાનો અહેસાસ ઓછો થાય છે.
દેશી ઘી અથવા તેલનો જાદુ
કેપ્સૈસિન તેલમાં દ્રાવ્ય હોય છે, તેથી જો તમે મરચા કાપતા પહેલા કે પછી હાથ પર નારિયેળ તેલ, સરસવનું તેલ અથવા દેશી ઘી લગાવો છો, તો તે તીખાશને ત્વચામાં ઉતરતા અટકાવે છે. બળતરા શરૂ થયા પછી હાથ પર તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી સાબુથી ધોઈ લો. આનાથી હાથમાં ચોંટેલું મરચાનું તીખું તેલ નીકળી જશે અને બળતરા જડમૂળથી બંધ થઈ જશે.
Chili માટે ખાંડ અને મધનું મિશ્રણ
જો બળતરા ખૂબ જ વધારે હોય, તો હાથ પર થોડી ખાંડ અને મધ લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. ખાંડ તીખાશને શોષી લેવાનું કામ કરે છે અને મધ ત્વચાને નરમ રાખી બળતરા ઘટાડે છે. આ ઉપાય કર્યાના 2 મિનિટમાં જ તમને ફરક દેખાશે. આ ઉપરાંત, લોટ બાંધતી વખતે વપરાતો કોરો લોટ (ઘઉંનો લોટ) પણ હાથ પર ઘસવાથી મરચાની (Chili) તીખાશ ઓછી થાય છે.
લીંબુનો રસ અથવા વિનેગર
મરચાની (Chili) તીખાશ ક્ષારીય (Alkaline) પ્રકૃતિની હોય છે, જ્યારે લીંબુનો રસ અને વિનેગર એસિડિક હોય છે. જ્યારે તમે બળતરા થતી જગ્યા પર લીંબુનો રસ અથવા વિનેગર લગાવો છો, ત્યારે તે કેપ્સૈસિનની અસરને ન્યુટ્રલાઈઝ (તટસ્થ) કરી દે છે. આ ઉપાય કરવાથી બળતરા તો ઓછી થાય જ છે, સાથે જ જો હાથમાં મરચાની ગંધ રહી ગઈ હોય તો તે પણ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: રોજ લિપસ્ટિક લગાવતા હોવ તો સાવધાન! હોઠ કાળા ન પડે તે માટે આ 5 વાતોનું રાખો ધ્યાન
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!




