Instagram Hidden Words: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) તેના યુઝર્સના અનુભવને વધુ સુરક્ષિત અને બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર અજાણ્યા લોકો દ્વારા અશ્લીલ શબ્દો, ગાળો કે નકામી કોમેન્ટ્સ કરવામાં આવતી હોય છે, જેના કારણે યુઝર્સ માનસિક રીતે પરેશાન થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઇન્સ્ટાગ્રામનું ‘Hidden Words’ ફીચર અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ સેટિંગ્સ એક્ટિવેટ કરવાથી ઇન્સ્ટાગ્રામની AI સિસ્ટમ આવી નકારાત્મક સામગ્રીને તમારા સુધી પહોંચતા પહેલા જ ફિલ્ટર કરી નાખે છે. Hidden Words ફીચર શું છે અને તે કેવી રીતે કામ કરે છે? તેની સંપૂર્ણ વિગતો.
‘Hidden Words’ ફીચરનો મુખ્ય હેતુ
ઇન્સ્ટાગ્રામનું (Instagram) આ ફીચર ખાસ કરીને ઓનલાઇન અબ્યુઝ (abuse) અને ટ્રોલિંગને અટકાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરે છે અથવા તમને મેસેજ રિક્વેસ્ટ (Message Request) મોકલે છે જેમાં અપશબ્દો હોય, ત્યારે આ ફીચર તે શબ્દોને ઓળખી કાઢે છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આવી કોમેન્ટ્સ કે મેસેજને ડિલીટ કરવાને બદલે એક અલગ ફોલ્ડરમાં છુપાવી દે છે, જેથી તમારે તે વાંચવા ન પડે.
અશ્લીલ કોમેન્ટ્સને ઓટો-ફિલ્ટર કરવાની ક્ષમતા
ઘણીવાર સેલિબ્રિટીઝ કે સામાન્ય યુઝર્સ જ્યારે કોઈ પોસ્ટ કરે છે, ત્યારે કોમેન્ટ સેક્શનમાં અશ્લીલ લખાણનો મારો ચાલતો હોય છે. ‘Hidden Words’ સેટિંગ્સમાં ‘Hide Comments’ ઓપ્શન ચાલુ કરવાથી ઇન્સ્ટાગ્રામની (Instagram) સિસ્ટમ પ્લેટફોર્મ પર અગાઉથી નક્કી કરેલા વાંધાજનક શબ્દોની યાદી સાથે કોમેન્ટને સરખાવે છે. જો કોમેન્ટમાં કોઈ ગંદો શબ્દ હોય, તો તે અન્ય યુઝર્સને દેખાશે નહીં અને તમને પણ તેનાથી કોઈ ખલેલ પહોંચશે નહીં.
તમારી પોતાની શબ્દોની યાદી તૈયાર કરો
દરેક વ્યક્તિ માટે ‘અપશબ્દ’ કે ‘વાંધાજનક લખાણ’ અલગ હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ તમને તમારી પોતાની કસ્ટમ લિસ્ટ બનાવવાની સુવિધા આપે છે. જો તમે ચોક્કસ કોઈ શબ્દ, વાક્ય કે ઇમોજીને તમારી પોસ્ટ પર જોવા નથી માંગતા, તો તમે તે લિસ્ટમાં ઉમેરી શકો છો. એકવાર તમે આ શબ્દો સેટ કરી લો, પછી ભલે કોઈ તમને તે લખીને મોકલે, ઇન્સ્ટાગ્રામ તેને આપોઆપ છુપાવી દેશે. આનાથી યુઝરને પોતાની પ્રોફાઇલ પર સંપૂર્ણ નિયંત્રણ મળે છે.
Instagram મેસેજ રિક્વેસ્ટમાં પણ સુરક્ષા
માત્ર કોમેન્ટ્સ જ નહીં, પણ અજાણ્યા લોકો તરફથી આવતી ડાયરેક્ટ મેસેજ (DM) રિક્વેસ્ટમાં પણ આ ફીચર કામ કરે છે. અશ્લીલ કે ધમકીભર્યા મેસેજ આપોઆપ ‘Hidden Requests’ ફોલ્ડરમાં જતા રહે છે. આ ફોલ્ડરને જો તમે ખોલો નહીં ત્યાં સુધી તમને ખબર પણ નહીં પડે કે કોઈએ તમને નકામો મેસેજ મોકલ્યો છે. આ ફીચર ખાસ કરીને મહિલા યુઝર્સ માટે સુરક્ષાનું એક મજબૂત કવચ પૂરું પાડે છે.
કેવી રીતે એક્ટિવેટ કરશો આ સેટિંગ્સ?
આ ફીચરનો લાભ લેવા માટે તમારે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
તમારા Instagram પ્રોફાઇલ પર જઈને ત્રણ લાઈન વાળા મેનૂ (Settings) પર ક્લિક કરો.
ત્યાં ‘Settings and Privacy’ ના ઓપ્શનમાં જાઓ.
નીચે સ્ક્રોલ કરીને ‘Hidden Words‘ પર ક્લિક કરો.
અહીં ‘Hide Comments’ અને ‘Hide Message Requests‘ ના બટનને ઓન (ON) કરી દો.
જો તમે તમારી પસંદગીના શબ્દો ફિલ્ટર કરવા માંગતા હોવ, તો ‘Manage Custom Words and Phrases’ માં જઈને શબ્દો ઉમેરી શકો છો.
આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી
આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ


