Chhota Udepur Tomato Prices Low: ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં ટામેટાંની ખેતી કરતા ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે. જે ટામેટાં પકવવા માટે ખેડૂતોએ લાખોનું દેવું કર્યું હતું, તે જ ટામેટાં આજે બજારમાં માત્ર 6 થી 7 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતોને તોડામણનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે.
Chhota Udepur: કુદરત અને બજાર બંનેનો પડ્યો માર
તાજેતરમાં આવેલા વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પવનના જોરે ટામેટાંના છોડ નમી પડ્યા છે, જેનાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ આશા રાખી હતી કે પાક તૈયાર થશે ત્યારે સારા ભાવ મળશે, પરંતુ અત્યારે બજારમાં ભાવ એટલા નીચા છે કે ખેડૂતો હવે હતાશામાં આવીને ઊભા પાકને ઉખેડી નાખવાનું વિચારી રહ્યા છે.

તંત્રની ઘોર ઉદાસીનતા
સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હજુ સુધી નુકસાનીનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી. અધિકારીઓ ખેતર સુધી પહોંચવાની તસ્દી પણ લેતા નથી. વળતર મળવું તો દૂરની વાત છે, પરંતુ ખેડૂતોની પીડા સાંભળનાર પણ કોઈ નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે જગતના તાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોલ્ડ સ્ટોરેજની વર્ષો જૂની માંગ અધૂરી
છોટા ઉદેપુર જિલ્લામાં એક પણ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોવાને કારણે ખેડૂતો વેપારીઓના ઓશિયાળા બન્યા છે. પાક તૈયાર થતા જ તેને સાચવવાની કોઈ સુવિધા ન હોવાથી ખેડૂતોએ મજબૂરીવશ તાત્કાલિક પોતાનો માલ વેચી દેવો પડે છે. કોલ્ડ સ્ટોરેજના આ અભાવનો લાભ લઈને વેપારીઓ મનમાની કરે છે અને તેઓ જે ભાવ આપે તે સ્વીકારવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે વર્ષોથી ખેડૂતો APMC સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારના બહેરા કાને આ વાત અથડાઈને પાછી આવે છે.
જો સરકાર વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર જાહેર નહીં કરે, તો આ વિસ્તારના ખેડૂતો માટે પાયમાલ થવાની નોબત આવશે. અત્યારે તો 6 રૂપિયાના ભાવે ટામેટાં વેચીને ખેડૂત પોતાની મજૂરી પણ નથી કાઢી શકતો.
