ભારતે ગુરુવારે કહેવાતા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે કોઈ ત્રીજો દેશ જોડાવો જોઈએ નહીં. ભારતે CPEC પ્રોજેક્ટ્સના વિસ્તરણ સામે સખત વાંધો વ્યક્ત કરીને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ચીન અને પાકિસ્તાન સંયુક્ત રીતે CPEC પ્રોજેક્ટને અફઘાનિસ્તાનમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.
ભારતે ગુરુવારે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી પસાર થતા પ્રોજેક્ટ્સમાં અન્ય કોઈ દેશ જોડાવા જોઈએ નહીં કારણ કે તે તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિષય પર પૂછવામાં આવતા સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં આ વાત કહી.
પ્રવક્તાએ કહ્યું કે વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ આ વિષય પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેણે કહેવાતા ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અને CPEC સંબંધિત પ્રોજેક્ટ્સમાં અન્ય દેશોની પ્રસ્તાવિત ભાગીદારીને પ્રોત્સાહન આપવાના અહેવાલો જોયા છે. આવી પ્રવૃત્તિઓ “સ્વાભાવિક રીતે ગેરકાયદેસર, અયોગ્ય અને અસ્વીકાર્ય” છે.
બાગચીએ કહ્યું હતું કે આ સંબંધમાં કોઈપણ પક્ષ દ્વારા આવું કોઈપણ પગલું ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે અમે પહેલાથી જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવી કોઈપણ ગતિવિધિ સામે વાંધો ઉઠાવતા આવ્યા છીએ. પ્રવક્તાએ કહ્યું કે અમે કહીએ છીએ કે કોઈ ત્રીજો દેશ તેમાં સામેલ ન થવો જોઈએ કારણ કે અમે પહેલાથી જ ચેતવણી આપી રહ્યા છીએ કે તે અમારી સંપ્રભુતાનો મામલો છે.
બાગચીએ કહ્યું કે અમે જે કહેવા માંગીએ છીએ તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. જો કોઈ દેશ જોડાય તો શું પગલાં લેવામાં આવશે તે પૂછવા પર તેમણે કહ્યું કે તેઓ આ અંગે અનુમાન કરવા માંગતા નથી. નોંધનીય છે કે CPECના આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન પર સંયુક્ત કાર્યકારી જૂથની ત્રીજી બેઠક શુક્રવારે ડિજિટલ માધ્યમથી યોજાઈ હતી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને ઇકોનોમિક કોરિડોરનો ભાગ બનવામાં રસ ધરાવતા અન્ય દેશોને પણ તેમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.
વર્ષ 2013માં શરૂ થયેલો આ આર્થિક કોરિડોર પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં સ્થિત કાશગર સાથે જોડવા જઈ રહ્યો છે. તેના દ્વારા બંને દેશો ઊર્જા, પરિવહન અને ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગ કરશે. ભારત આ કોરિડોરનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તે પીઓકેમાંથી પસાર થાય છે. CPEC એ ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલ (BRI)નો એક ભાગ છે. ભારત બીઆરઆઈનું સખત ટીકાકાર રહ્યું છે, કારણ કે સીપીઈસી તેનો એક ભાગ છે.
