રાજ્યમાં શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેની પાછળનો ઉદેશ્ય બહુ ઉમદા છે. પંરતુ કયાંક ને કયાંક તેમાં પણ છીડા છે. અને અવાર નવાર સરકારી ભોજનમાંથી ઈયળ કે જીવત મળી આવવાના કિસ્સા સામે આવતા હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો તાપી માંથી નિર્ઝર ખાતે સામે આવ્યો છે. જેમાં બાળકોના સ્વાસ્થ્યને નામે ચેડા કરવામાં આવી રહ્યા છે. મધ્યાહ્ન ભોજનમાં બાળકોને પીરસવામાં આવતા ભોજન માંથી જીવાત મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાપીના નિર્ઝરમાં આવેલી મુબારકપુર ગામની શાળામાં બાળકોને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળી છે. જેને પગલે બાળકો, વાલીઓ અને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વાલીઓએ આ મામલે સ્થાનિક મામલતદારને ફરિયાદ કરી છે. મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચી ગયો છે. મામલતદારે સંચાલકોને નોટિસ પાઠવી છે.

ફરિયાદના આધારે મધ્યાહન ભોજનના નાયબ મામલતદારે શાળાએ પહોંચી આ હલકી ગુણવત્તાનો જથ્થો કબજે લઈ ચણા અને ચોખા સહિતની સામગ્રી બદલી આપી હતી. તો ગ્રામજનોએ લાંબા સમયથી આવું જીવાતવાળું ભોજન બાળકોને પીરસાતું હોવાના આક્ષેપો કર્યા હતા.

મુબારકપુર પ્રાથમિક શાળામાં અનાજના જથ્થામાં ચોખા અને ચણા હલકી ગુણવત્તાના હતા. અને અનાજ સડેલું હતું એને તેમાં જીવાત નીકળ્યાં હતાં. આ અનાજમાંથી બાળકોનું ભોજન બનાવવામાં આવતું હતું. તેની બાળકોએ પોતાનાં વાલીઓને ફરિયાદ કરી હતી. હલકી કક્ષાના મધ્યાહન ભોજનને કારણે બાળકો ગંભીર બીમારીના રોગના શિકાર બનતા હોય છે. શુક્રવારે બપોરે ભોજનમાં ફરી જીવાત નીકળતાં ગ્રામજનો દ્વારા શાળાની રૂબરૂ તપાસ કરી આ બાબતની ફરિયાદ મામલતદારને કરી હતી.
