નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પાટણના ગુજરવાડા નો પ્રાચિન દોરી ગરબો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે મહાઅષ્ટમીનાં દિવસે પાટણનાં ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખી છે.

દોરી ગરબામાં ગુર્જરવાડાના 24 ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા. ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકનાં તાલે નવરાત્રીની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક-તબલાં-મંજીરાનાં તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા સાથે સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.

પાટણના ગુજરવાડા નો પ્રાચિન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે. હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ધૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગુંથણી તૈયાર થાય છે.

દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાય છે, જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે. જાેકે, આ વખતે ખેલૈયાઓ દોરીનો હાથ બદલો કરે છે, જેથી ગરબો રમાતો જાય તેમ તેમ ગુંથણી છૂટતી જાય. આ પરફેક્ટ ગૂંથણી એ દોરી ગરબાની સુંદરતા છે.


