Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી એક જીમમાં પત્નીને Instagram પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછપરછ કરવા ગયેલા યુવક સાથે ગાળાગાળી અને મારામારીની (Vadodara Gym Fight) ઘટના સામે આવી છે. યુવકના ડાબા કાન પર લાફો મારવામાં આવતાં ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Vadodara Gym Fight: Instagram રિક્વેસ્ટ અંગે પત્નીએ પતિને જાણ કરી
માંજલપુરના લાલબાગ બ્રિજ નીચે આવેલી શિવન સોસાયટીમાં રહેતા સ્નેહલકુમાર પટેલ કરજણ ખાતે ખેતીકામ કરે છે. તેઓ છેલ્લા અઢી વર્ષથી પત્ની સાથે માંજલપુર ઈવા મોલ સામે આવેલી ‘કોન્સેપ્ટ જીમ’માં કસરત કરવા જાય છે. આશરે 15 દિવસ પહેલાં જીમમાં આવતા કૃણાલ નામના યુવકે સ્નેહલકુમારની પત્નીને Instagram પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ અંગે પત્નીએ પોતાના પતિને જાણ કરી હતી.
‘મારી પત્નીને રિક્વેસ્ટ કેમ મોકલી?’ પૂછતાં ઉશ્કેરાયો
18 ઓગસ્ટના રોજ સ્નેહલકુમાર અને તેમની પત્ની જીમમાં ગયા હતા. આ દરમિયાન સ્નેહલકુમારે કૃણાલને પત્નીને Instagram પર રિક્વેસ્ટ મોકલવા અંગે પૂછ્યું હતું. આ વાતથી કૃણાલ ઉશ્કેરાઈ ગયો હતો અને સ્નેહલકુમાર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, સ્નેહલકુમાર જીમના બાથરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે કૃણાલ અને તેનો મિત્ર જયદિપ રાકેશભાઈ પટેલ પણ તેમની પાછળ ગયા હતા. બંને વચ્ચે ફરી તકરાર થતાં જયદિપે સ્નેહલકુમારના ડાબા કાન પર જોરદાર લાફો માર્યો હોવાનો આક્ષેપ છે.
સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી
લાફો વાગતાં સ્નેહલકુમારના ડાબા કાનમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેઓ તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી અક્યોર ક્લિનિકમાં સારવાર માટે પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ સ્નેહલકુમારે પત્ની સાથે પોલીસ મથકે જઈ કૃણાલ અને તેના મિત્ર જયદિપ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે (Manjalpur Police) સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘બંટી-બબલી’ જેવો પરિવાર ઝડપાયો: બિલ્ડર બનવાનો ઢોંગ કરી જ્વેલર્સ સાથે ₹4.45 કરોડની ઠગાઈ
આ પણ વાંચો: 21 વર્ષ જૂના વીમા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, રૂ.5 લાખનો લાભ લેનાર મુકેશ પટેલ ઝડપાયો
