હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી પણ પસંદગીની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપી રહી છુંઃ અભિનેત્રી એલ્નાઝ નોરોઝી
- દરેક સ્ત્રીને પોતાના શરીર પર નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ
- નોરોઝીએ દસ વર્ષ કરતાં વધારે સમય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યુ છે
- નોરોઝી હાલમાં ભારતમાં છે અને કથક શીખી રહી છે
- ઇરાનમાં મહિલાઓ માટે ઘરની બહાર એકલા નીકળવું પણ મોટું સાહસઃ નોરૌઝી
નવી દિલ્હી: નેટફ્લિક્સ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં તેના કામ માટે જાણીતી ઈરાનમાં જન્મેલી અભિનેત્રી એલ્નાઝ નોરોઝીએ ઇરાનની મોરેલિટી પોલીસના વિરોધમાં “સ્ટ્રિપ શો” કરીને વિવાદનો વંટોળ સર્જયો છે.
ઈરાનની “મોરેલિટી પોલીસ” સામે મહિલાઓ દ્વારા તેઓને જોઈતું કંઈપણ પહેરવાના અધિકાર પર ભાર મૂકીને વિરોધમાં જોડાઈ છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલ એક વિડીયોમાં નોરોઝીએ એક પછી એક કપડા ઉતારીને રીતસરનો સ્ટ્રિપ શો કરીને તેનો વિરોધ દર્શાવ્યો હતો.
“દરેક સ્ત્રી, વિશ્વમાં ગમે ત્યાં હોય, પછી ભલે તે ગમે ત્યાંની હોય, તેને ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ અને તે ક્યારે અથવા જ્યાં પણ પહેરવા માંગે છે. કોઈ પુરુષ કે અન્ય કોઈ સ્ત્રીને તેનો ન્યાય કરવાનો અથવા તેને પૂછવાનો અધિકાર નથી. અન્યથા વસ્ત્રો પહેરવા,” એમ નોરોઝીએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું.
“દરેકના અલગ-અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેમનું સન્માન કરવું જોઈએ. લોકશાહી એટલે નિર્ણય લેવાની શક્તિ… દરેક સ્ત્રીને પોતાના શરીર પર નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી, હું પસંદગીની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપી રહી છું.” એમ તેણે લખ્યું હતું.
નોરોઝીએ અભિનયમાં કારકિર્દી શરૂ કરી તે પહેલાં 10 વર્ષથી વધુ સમયથી Dior, Lacoste અને Le Coq Sportive જેવી બ્રાન્ડ માટે આંતરરાષ્ટ્રીય મોડલ તરીકે કામ કર્યુ હતુ. તેમણે પર્શિયન પરંપરાગત નૃત્યની તાલીમ લીધી છે. ભારતમાં તે કથક નૃત્ય શીખી રહી છે. તેમનું કહેવું છે કે ઇરાની મહિલાઓ દાયકા કરતાં પણ વધારે સમયથી ઘરની બહાર એકલા નીકળવું પણ મોટું સાહસ છે. તેઓની મોરેલિટી પોલીસ વિશ્વસ્તરે કુખ્યાત છે.
ઇસ્લામિક પ્રજાસત્તાક ઇરાનમાં મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ લાગુ છે. મહિલાઓએ માથાનો સ્કાર્ફ કેવી રીતે પહેરવો તે અંગેના પ્રવચન માટે વાઇસ યુનિટની લીલી અને સફેદ વાન આવે છે. આ ઉપરાંત ડ્રેસ કોડનો ભંગ કરનારી મહિલાઓેને ક્રૂર રીતે માર મારવામાં આવે છે. કેટલીય ઇરાની મહિલાઓએ આ અત્યંત વરવી સ્થિતિનો સામનો કર્યો છે. તેમા 22 વર્ષની મહસા અમીની એક હતી. 16 સપ્ટેમ્બરે મોરાલિટી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ દિવસ પછી તેેને મૃત જાહેર કરવામાં આવી હતી.
તેના મૃત્યુ અંગે માનવ અધિકાર કાર્યકરોનું કહેવું છે કે માથા પર ફટકા મારવાથી તેનું મોત થયું હતું. જ્યારે સત્તાવાળાઓનું કહેવું છે કે તેની શારીરિક સ્થિતિ પહેલેથી જ ખરાબ હતી. તેના મોતના પગલે સમગ્ર વિશ્વમાં આ પ્રકારના અત્યાચાર સામે વિરોધનું મોજું શરૂ થયુ છે. ઇરાનમાં તેના પગલે ઉઠેલા વિરોધના વંટોળમાં મહિલાએ તેમના હિજાબ અને હેડ સ્કાર્ફ સળગાવી દીધા છે. ચોમેર સરકારનો વિરોધ થઈ રહ્યો છે. ઇરાનમાં અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા દેખાવકારો સરકાર વિરોધી દેખાવમાં માર્યા ગયા છે. ફક્ત ઇરાન જ નહી સમગ્ર વિશ્વમાં ઇરાનની સરકારના આ વલણ સામે દેખાવ થયા છે.
