અમદાવાદ: રાજકોટમાં આવેલી એક ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ફરજિયાત કૂકરની ખરીદી કરાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલી આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા-યોજનાના લાભાર્થીઓને પોતાના ત્યાંથી કૂકરની ફરજિયાતપણે ખરીદી કરાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે જિલ્લા કલેકટરને ફરિયાદ મળતા તેમણે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે તપાસ કરાવરાવી હતી.
આ તપાસ દરમિયાન આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પોતાને ત્યાંથી ફરજિયાતપણે કૂકરની ખરીદી કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તપાસ દરમિયાન ફરિયાદમાં તથ્ય જણાયું હતું. જેના અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આકૃતિ ગેસ એજન્સીના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે અન્ય કિસ્સામાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે સસ્તા અનાજની દુકાનના વેપારી રામાણી ભરત રવજી દ્વારા ગ્રાહકોને ઓછો માલ આપવામાં આવતો હોવાની અને ફુડ કુપનમાં ડબલ પૈસા પડાવે છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે આ ફરિયાદ મળતા જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી.જોષીની આગેવાની હેઠળ પુરવઠા ઈન્સ્પેકટરોની ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પુરવઠા વિભાગની ટીમે આ સસ્તા અનાજની દુકાનમાંથી રૂા.3000નો માલ સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરવઠા વિભાગ દ્વારા આ દુકાનના પરવાનાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા જયારે આ ગામની મુલાકાતે ગયા ત્યારે ગામજનો દ્વારા આ મામલે મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારીને તપાસના આદેશ કર્યા હતા.
