Congress President Election/ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આવતીકાલે થશે મતદાન, જાણો દેશભરમાં મતદાન માટે કેવી છે વ્યવસ્થા

આવતીકાલે 12 વાગ્યે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ હેડક્વાર્ટરમાં મતદાન કરશે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન બલ્લારીના સાંગનાકલ્લુમાં પોતાનો મત આપશે

Top Stories India

સોમવારે યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાનની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરમાં 40 કેન્દ્રો પર 68 બૂથ બનાવવામાં આવ્યા છે જ્યાં મતદાનની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.  આવતીકાલે 12 વાગ્યે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ હેડક્વાર્ટરમાં મતદાન કરશે. બીજી તરફ, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન બલ્લારીના સાંગનાકલ્લુમાં પોતાનો મત આપશે.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે લગભગ 9800 મતદારો (રાજ્ય પ્રતિનિધિઓ) છે જેઓ બે ઉમેદવારોમાંથી એક મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરને મત આપશે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી સહિત CWCના સભ્યો કોંગ્રેસના મુખ્યાલયના બૂથમાં મતદાન કરશે.

અધ્યક્ષ પદ માટે 22 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે

જયારે ભારત જોડો યાત્રાના છાવણીમાં એક બૂથ બનાવવામાં આવ્યું છે જ્યાં રાહુલ ગાંધી અને 40 જેટલા મતદારો મતદાન કરશે. મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુમાં રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં અને શશિ થરૂર તિરુવનંતપુરમમાં મતદાન કરશે. મતદાન બાદ મતપેટીઓને દિલ્હી લાવવામાં આવશે જ્યાં 19 ઓક્ટોબરે પાર્ટીના મુખ્યાલયમાં મત ગણતરી થશે અને પરિણામો જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 22 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને લગભગ 24 વર્ષ બાદ પાર્ટીની કમાન ગાંધી પરિવારની બહાર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

137 વર્ષમાં છઠ્ઠી વખત આવી તક

137 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં છઠ્ઠી વખત ચૂંટણી જંગ સાબિત થશે કે પાર્ટીના આ મહત્વપૂર્ણ પદ માટે કોણ યોગ્ય ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષની આ ચૂંટણીમાં ગાંધી પરિવારનો કોઈ સભ્ય ભાગ લઈ રહ્યો નથી. એટલે કે આ વખતે કોંગ્રેસના પ્રમુખ ગાંધી પરિવારની બહારના સભ્ય બનશે તે પહેલાથી જ નક્કી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે આંતરિક ચૂંટણી થઈ રહી છે.

વર્ષ 1977માં પણ ચૂંટણી યોજાઈ હતી

જયરામ રમેશે કહ્યું કે મીડિયાએ વર્ષ 1939, 1950, 1997 અને 2000ની વાત કરી, પરંતુ વર્ષ 1977માં પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ હતી. જ્યારે કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ચૂંટાયા હતા. રમેશે વધુમાં કહ્યું કે હજુ પણ ચૂંટણીનું પોતાનું મહત્વ છે. પરંતુ હું તેમને ઐતિહાસિક ભારત જોડો યાત્રા કરતાં ઓછું સંસ્થાકીય મહત્વ માનું છું, જે ભારતીય રાજકારણ માટે પણ કોંગ્રેસની પરિવર્તનકારી પહેલ છે.’

દિલ્હીમાં બે બૂથ બનાવાશે, સોનિયા AICCમાં મતદાન કરશે

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં AICC મુખ્યાલયમાં મતદાન કરે તેવી શક્યતા છે. CWC સભ્યો AICCમાં પોતાનો મત આપશે અને બાકીના DPCCમાં પોતાનો મત આપશે. દિલ્હીમાં બે બૂથ, એક DPCC અને એક AICCમાં સ્થાપિત કરવામાં આવશે. સમગ્ર દેશમાં કોંગ્રેસના કુલ 9,800 પ્રતિનિધિઓ મતદાન કરશે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 2 યુનિટ મતદાન કરશે

આ સંદર્ભે રાષ્ટ્રીય કોંગ્રેસના 2 એકમો મહારાષ્ટ્રમાં મતદાન કરશે. પ્રથમ – મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC) જેમાં કુલ મતદારો 561 છે અને બીજું – મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ (MRCC) જેમાં કુલ મતદારો 236 છે. MPCC મતદારો તિલક ભવન, દાદર, મુંબઈ ખાતે મતદાન કરશે. આ મતદાન મથક પર 3 બુથ ઉભા કરવામાં આવ્યા છે. MRCC મતદારો દક્ષિણ મુંબઈ સ્થિત મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં રાજીવ ગાંધી ભવનમાં પોતાનો મત આપશે.

રાહુલ ગાંધી કર્ણાટકમાં મતદાન કરશે

કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ભાગ લેનારા નેતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાટકના બેલ્લારીમાં આવતીકાલે યોજાનારી રેલીના કેમ્પ સાઇટ પર રાહુલ ગાંધી સહિત લગભગ 47 લોકો મતદાન કરશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે કહ્યું કે રાહુલ ગાંધી સોમવારે કર્ણાટકના બેલ્લારીમાં સનાગણકલ્લુ ખાતે ભારત જોડો યાત્રા કેમ્પ સાઇટ પર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન કરશે. તેમની સાથે રાજ્ય કોંગ્રેસ સમિતિના અન્ય 40 જેટલા પ્રતિનિધિઓ પણ મતદાન કરશે, જેઓ યાત્રામાં સાથે છે.