મુંબઇ,
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર શરૂ થયા બાદ શેર માર્કેટમાં ધમાલ મચી ગઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સમાં 355 પોઇન્ટનું ગાબડુ પડ્યું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નીફ્ટીનો સુચકાંક 10,000થી નીચે એટલે કે 9,968 પર ખુલ્યો હતો.

બંને બાહુબલી દેશો વચ્ચે ટ્રેડવોર જામ્યા પછી આઇટીના શેરો પણ ધડામ દઇ પછડાયા હતા. શુક્રવારે સવારથી મેટલ, રિયલ્ટી, બેન્ક તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલીથી સવારે 9.50 વાગ્યે BSEસેન્સેક્સ 412 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બજારમાં ખૂલ્યું ત્યારથી ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
ગરૂવારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ભડકવાના ભયે ડાઉ જોન્સમાં મોટો કડાકો જોવાયા બાદ શુક્રવારે પણ એશિયાના અન્ય બજારોની સાથે ભારતના શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 387.18 પોઈન્ટ ઘટીને 32,619.09 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 118.95 પોઈન્ટ્સ ગગડીને 9995.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે યસ બેન્ક, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, SBI, બજાજ ઓટો,એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, હિરો મોટોકોર્પ, L&Tના શેર્સ 3.08 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોલ્ડ વોરના સંકટ વચ્ચે હવે ટ્રેડ વોર શરુ થઈ ગયો છે. જેની આગેવાની અમેરિકા અને ચીને લીધી છે. વેપારી સંબંધોમાં સતત તણાવ બાદ આ ટ્રેડ વોર શરુ થયો છે. જેમાં હવે અન્ય દેશો આ બન્ને પક્ષમાંથી કોઈ એકમાં જ જોડાતા નજરે પડી શકે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા સામાન પર ૬૦ અબજ ડોલર એટલે કે ૩૯૧૦ અબજ રૂપિયા ટેરીફની જાહેરાત કરી. જેનાથી ઉશ્કેરાયેલા ચીને અમેરિકાથી આયાત થતા સામાન પર ભારે ભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવાની તૈયારી શરુ કરી. ચીનનુ કહેવુ છે કે, અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ ટેરીફ બાદ તેમણે આ પગલુ ભર્યુ છે.
