સમગ્ર દેશમાં દિવાળી પર્વને લઇને આનંદ ઉલ્લાસ છે. તમામ વ્યક્તિ પોતાની આવક પ્રમાણે દિપોત્સ ઉજવતા હોય છે. ગુજરાતમાં તો નવા વર્ષની ઉજવણીની વાત જ જુદી છે. પરંતુ નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા ગરૂડેશ્વર તીલકવાળા અને ડેડીયાપાડા તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓની હાલત દિવાળીના દા’ડે પણ કફોડી છે. નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ કામ કરતા સંચાલકો, રસોઇયાઓ, મદદનીશોને છેલ્લા બે મહિનાથી વેતન મળ્યું નથી
ઉપરાંત છેલ્લા એક માસથી તો મધ્યાહન ભોજન માટે શાકભાજી, ગેસ મસાલાનો ખર્ચ મળતો હોય તે પણ મળ્યો નથી. જેના કારણે કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તીલકવાળા તથા ડેડીયાપાડા તાલુકામાં કુલ 1200 જેટલા સંચાલકો, રસોયા, સહાયકો કામ કરી કરે છે. જોકે તહેવાર ટાણે જ પગાર ન મળતા તેઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.
ઉલ્લેખીય છે કે આ કામગીરી વિધવા મહિલાઓ, તેમજ ગરીબ પરિવારના કર્મચારીઓ કામ કરતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર સમયે જ તેમને છેલ્લા બે મહિનાનો પગાર ન મળતા તેઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. શાળામાં મધ્યાહન ભોજનની વસ્તુઓ ખરીદવાનો ખર્ચ પણ એક મહિનાથી આપવામાં આવ્યો નથી. એવામાં આ 1200 કર્મચારીઓના પરિવારની હાલત દયનીય બની ગઈ છે.
એકબાજુ સમગ્ર દેશ અને ગુજરાત રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ત્યારે બીજી બાજુ આવા કર્મચારીઓના ઘરે તેર સાંધે ત્યાં ત્રીસ તુટે જેવી હાલત છે.
