Gujarat election 2022/ જૂના જોગીઓની બાદબાકી ભાજપના અણઘડ વહીવટનો સંકેતઃ કોંગ્રેસ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ટિકિટ ફાળવણી તે ભાજપનું આંતરીક મામલો પણ સત્તામાં હોવા છતાં જુના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ છે.

Top Stories Gujarat
  • કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો : આલોક શર્મા
  • ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસના સંપર્કમાં છે
  • ભાજપના અસંતુષ્ટો કોંગ્રેસની વિચારધારા અપનાવવા તૈયાર હોય તો આવકાર
  • ગુજરાતમાં ત્રણ વખત સીએમ અને બે વખત મંત્રીમંડળ બદલવું પડ્યું ને વાતો સ્થિર સરકારની
  • ડબલ એન્જિનની સરકારની વાતો કરનારાઓએ તેમના જૂના એન્જિન કેમ પડતા મૂક્યા તે સવાલ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ટિકિટ ફાળવણી તે ભાજપનું આંતરીક મામલો પણ સત્તામાં હોવા છતાં જુના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ છે.

પૂર્વ મુખ્યમંત્રીશ્રી રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અન્ય પૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ, આર.સી. ફળદુ, ગણપત વસાવા, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી જેવા અનેક પૂર્વમંત્રીઓની ટિકિટ કપાઈ, કોરોનાના કપરા સમયમાં ગુજરાતની ભાજપ સરકારની નબળી કામગીરીના લીધે જનતામાં જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તેને દબાવવા માટે ગુજરાતમાં ભાજપ સરકાર વિરુધ્ધ ઉભી થયેલી એન્ટી ઈન્કમબન્સીને છુપાવવા, સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટેનો પ્રયાસ હોય તે મુજબ ટિકિટોની ફાળવણી થયેલ છે.

50 હજાર મતોથી લઈને એક લાખ કરતા વધારેની લીડથી જીતેલા આગેવાનો, મંત્રીઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીની ટીકીટો કપાઈ તે સ્પષ્ટ નિર્દેશ છે કે, ભાજપના ઉપરોક્ત સીનીયર નેતાઓ વિસ્તાર અને મંત્રાલયમાં નબળી કામગીરીના લીધે અને ગુજરાતના લોકોની પડતર મુશ્કેલીઓ સંદર્ભે કામચોરી કરતા હતા તેના લીધે ચૂંટણી હારશે તે અંદેશો અગાઉથી આવી ગયેલ માટે જ તમામને પડતા મુકવામાં આવેલ છે.

હાલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવતા પ્રધાનમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીજી જનતા વચ્ચે સ્થિર સરકારની વાતો કરી મત માંગી રહ્યાં છે પરંતુ ગુજરાતમાં છ વર્ષમાં ત્રણવાર મુખ્યમંત્રી અને બે વાર મંત્રી મંડળ બદલવું પડ્યું હોય તેવી અસ્થિર ભાજપ સરકારનો સ્વીકાર કરતા ખચકાટ અનુભવે છે. ભાજપે આજે જાહેર કરેલા 160 ઉમેદવારો પૈકી 20 જેટલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આવ્યા હોય અને ટીકીટ આપવી પડી છે. કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો આજ અસલી ચહેરો છે.

ગુજરાતની જનતાનો ભાજપના નેતાઓ સામેનો રોષ જોતાં બે-ત્રણ આગેવાનોએ પોતાના મત વિસ્તારની બદલે અન્ય મતવિસ્તારથી ટિકિટ ફાળવણી કરવામાં આવેલ છે. મોરબી દુર્ઘટનાને લોકોના માનસપટલથી ભૂલાડવા માટે ભાજપ દ્વારા 40થી વધારે ટિકિટો કાપીને, મંત્રીઓને ટીકીટ ન આપીને અને મોરબીના સીટીગ ધારાસભ્ય અને મંત્રીની ટીકીટ કાપી છે. પણ મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહીવટ તથા પેપર ફૂટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં. ડબલ એન્જીનની સરકારની વાતો કરનાર ભાજપએ પોતાના જૂના એન્જીનોને કેમ પડતા મૂકયાં તે ગુજરાતના મતદારોમાં સવાલ થાય છે.

આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, ભાજપની ટીકીટ જાહેર થયા બાદ અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસના સંપર્કમાં છે. જો તેઓ કોઈપણ શરત વગર કોંગ્રેસની વિચારધારા અપનાવતા હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિનું શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક, હિરેન બેંકર, પ્રગતિ આહીર ઉપસ્થિત રહ્યાં હતાં.