Phone Security Rules: કેન્દ્ર સરકાર ફરી એકવાર સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વધુ એક કડક પગલું ભરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે કંપનીઓએ સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સને દૂર કરવાનો અને ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા અપડેટ્સની સ્ક્રીનિંગ કરવાનો વિકલ્પ આપવો પડશે.
સુત્રો દ્ધારા મળતી માહિતી અનુસાર સરકારના (Phone Security Rules) આ નિર્ણયથી સેમસંગ, શાઓમી, વિવો અને એપલ જેવી કંપનીઓના બિઝનેસને અસર થશે. આ કંપનીઓના સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ છે જેને દૂર કરી શકાતી નથી. કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના દંડ પછી, ગૂગલે ભારતીય બજાર માટે તેની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અને ગૂગલ પ્લે-સ્ટોર બિલિંગમાં ઘણા ફેરફારોની જાહેરાત કરી.
જો કે નવા સુરક્ષા નિયમો વિશે વધુ માહિતી બહાર આવી નથી, એક અધિકારીનું કહેવું છે કે આઈટી મંત્રાલય ગ્રાહકોના ડેટાની જાસૂસી અને તેના દુરુપયોગની ચિંતા વચ્ચે નવા નિયમો પર વિચાર કરી રહ્યું છે. જો કે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી. આ અધિકારીએ કહ્યું, “પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ નબળા સુરક્ષા બિંદુ હોઈ શકે છે અને અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ચીન સહિત કોઈ પણ બહારનો દેશ આનો લાભ ન લે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.”
કેન્દ્ર સરકાર 2020થી ચીનની ટેક કંપનીઓ સામે કડક છે. ભારત સરકારે અત્યાર સુધીમાં 300 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, ભારતમાં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવતા રોકાણ પર પણ કડકાઈથી અમલ કરવામાં આવ્યો છે. ભારત સિવાય અમેરિકા સહિત ઘણા દેશોએ ચીની ટેક કંપનીઓ હુવેઇ અને હિકવિઝન જેવી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનની કંપનીઓની જાસૂસી કરીને સુરક્ષા એજન્સીઓને પૂરી પાડવાના આરોપો લાગ્યા છે.
