દેશની ઘણી હોસ્પિટલોમાંથી કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ ઇન્ફેક્શન થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. પાટનગર દિલ્હીની હોસ્પિટલ પછી, ગુજરાતની હોસ્પિટલમાં પણ આવા દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ ફંગલ ઇન્ફેક્શન – મ્યુકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ ના નામથી ઓળખાય છે.
વધતા જતા કોરોના કેસ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ દુર્લભ રોગ તરીકે જોવા મળું રહ્યું છે. જેને પરિણામે રેમડેસિવિર પછી મ્યુકોરમાઇકોસિસ ના ઇન્જેક્શનની તીવ્ર અછત વર્તાઈ રહી છે. પરિણામે, દર્દીઓના પરિવારોએ આ ઇન્જેક્શન લેવા માટે ઘણા મેડિકલ સ્ટોર્સ પર ફરવું પડે છે.
મ્યુકોરમાઇકોસિસ ની સારવાર અત્યંત ખર્ચાળ અને જટિલ છે. સારવાર દરમિયાન, દર્દીને 15 થી 21 દિવસ માટે એમ્ફોસિન-બીનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જો જરૂરી હોય તો, દૂરબીન દ્વારા નાકમાંથી ફૂગને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે છે. ઇન્જેક્શનની સારવાર પછી પણ ચાલુ રહે છે. આ સારવારમાં દર્દીના વજનના આધારે દરરોજ 6 થી 9 ઇન્જેક્શનની જરૂર હોય છે. ઇન્જેક્શનની કિંમત 6 થી 7 હજાર રૂપિયા છે અને 20 થી 28 દિવસ દરમિયાન ઇંજેક્શનનો કોર્સ 13 થી 14 લાખ રૂપિયા જેટલો થઇ શકે છે.

રાજકોટમાં કેસ વધી રહ્યા છે
રાજકોટમાં તેના કેસો વધી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના તમામ દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં સૌથી મોટો 250 બેડનો મ્યુકોરમાઇકોસિસ વોર્ડ સ્થાપવામાં આવ્યો છે. તબીબી અધિક્ષક ડો. આર.એસ ત્રિવેદીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રથી દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે. પરિણામે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગ ખાલી કરવામાં આવી રહી છે અને કોરોનાના દર્દીઓને ત્યાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ચેપમાં, શસ્ત્રક્રિયા પછીનું ઇન્જેક્શન પણ મહત્વનું છે, તેથી આરોગ્ય વિભાગ દ્વારા રૂ .1 કરોડથી વધુનાં ઇંજેક્શનની રકમ પણ વહેંચવામાં આવી છે.
બીજી તરફ રાજ્યમાં વધતા જતા કેસ અને રોગ નિયંત્રણ અને સારવાર માટે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જે બાદ સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં ચેપગ્રસ્ત લોકો માટે અલગ વોર્ડ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, એમ્ફોસિન બી 50 એમજીના 5000 ઇન્જેક્શન ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે.
