કચ્છ: સતત ત્રીજા દિવસે પણ કચ્છમાં વરસાદનું માવઠું રહ્યું. અને રતનાલમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ખુબ જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને કરા પડી રહ્યા છે. અને સાથે જ માધાપર, કોટડા, નાડાપા ધાણેટી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી માવઠાનો માહોલ છવાયો છે. જેના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
આ ઉપરાંત આજે સવારે કચ્છ ઉપરાંત બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. અહીં સવારે જાણે ચોમાસું શરુ થઇ ગયું હોય તેમ વરસાદ વરસ્યો હતો. અને સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. ધાનેરના બોડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં કમોસમી વરસાદ પડ્યો છે.અને આ સાથે જ ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે 5 દિવસ વરસાદ વરસી શકે છે. દક્ષિણ પાકિસ્તાન રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસગ ગુજરાત પર પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ પાકિસ્તાન પર રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસ સુધી તેની અસર રહેશે. આ પછી ત્રીજા દિવસથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે, જે પછી રાજ્યમાં કાલથી હળવાથી સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે, જ્યારે પાંચમા દિવસે પણ વરસાદની આગાહી છે.
