બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા કોઈ જાનહાનિ ન થાય તે માટેના તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. લોકોને દરિયા કાંઠે ન જવા પણ સૂચિત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠે સાઈનબોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે જેમા લોકોને કાંઠા વિસ્તાર તરફ ન આવવા માટે અપીલ કરાઈ છે. બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. દ્વારકા રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બીજી બાજુ ફ પોરબંદરમાં પણ કાંઠા વિસ્તારના 800થી 900 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. જ્યારે કચ્છના 72 ગામોના 9000 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં આ વર્ષે ઉઠેલુ પ્રથમ વાવાઝોડુ બિપરજોય અત્યંત વિનાશક તોફાનમાં પરિવર્તિત થઈ ગયુ છે. 15 જૂન સુધી ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવાની આશંકા છે. આ દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જારી કર્યુ છે. આ વાવાઝોડુ વિનાસ સર્જે તેવી શક્યતાઓને પગલે તંત્ર તમામ સાવચેતીના પગલા લઇ રહ્યું છે.
