ચક્રવાત/ બિપરજોય વાવાઝોડાના સંકટના લીધે આર્મીના 78 જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના

ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે

Top Stories Gujarat

ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે.ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે.

આર્મીના ૭૮ જેટલા જવાનો ૧૭ વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આજે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દ્વારકામાં 3 ઇંચ ખંભાળિયામાં 4 ઇંચ કલ્યાણપુર અને ભાણવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી.આજે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સાથે જ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને ભૂજ શહેરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. 1 ઈંચથી લઇ 2 ઇંચ સુધીનો વરસાદ વિવિધ જિલ્લાઓમાં પડ્યો હતો.