સુરત (Surat) શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને આદેશ બાદ સુરત (Surat) આર્થિક ગુના નિવારણ શાખાએ ગજેરા બંધુઓ અને તેમના મળતિયાઓ વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી, દસ્તાવેજોમાં ફોર્જરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. શાંતી રેસીડેન્સી પ્રા. લિમીટેડમાં ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી, કરોડોની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવતા રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
હાઈકોર્ટના હુકમ પછી તપાસમાં તેજી
લાંબા સમયથી ચાલતી કાનૂની પ્રક્રિયા બાદ હાઈકોર્ટના આદેશથી સુરત (Surat) ઇકો સેલ સક્રિય બન્યું છે. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની અરજીના આધારે ચુનીભાઇ હરીભાઇ ગજેરા, વસંત હરીભાઇ ગજેરા, અશોકભાઇ હરીભાઇ ગજેરા સહિત 8થી વધુ લોકો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

બોગસ રાજીનામાથી ડિરેક્ટર પદેથી દૂર
ફરિયાદ મુજબ, પ્રવિણ અગ્રવાલ કંપનીમાં ડિરેક્ટર હતા. પરંતુ 1 જાન્યુઆરી 2015ના રોજ તેમના નામે ખોટું રાજીનામું તૈયાર કરી, ખોટી સહી લગાવી, તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
ડિજિટલ સહીનો દુરુપયોગ
આરોપીઓએ કાગળિયાં દસ્તાવેજોથી આગળ વધી ડિજિટલ માધ્યમમાં પણ ગેરરીતિ કરી. કોડ સોલ્યુશન્સના ડીલર ગૌતમ પ્રજાપતિની મદદથી નકલી ડિજિટલ સહી બનાવી, Registrar of Companies (ROC)માં ખોટા દસ્તાવેજો અપલોડ કરાયા હોવાનું કહેવામાં આવ્યું છે.
શેર હોલ્ડિંગમાં ગેરકાયદેસર ફેરફાર
ફરિયાદ અનુસાર, રાકેશ ગજેરાએ ફરિયાદી તથા તેમના પરિવારજનો પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહી કરી ઇક્વિટી શેર ઓફર લેટરમાં ફેરફાર કર્યો. પરિણામે પરિવારનો શેર હિસ્સો ઘટાડાઈ ગયો અને આરોપીઓને આર્થિક લાભ મળ્યો.
મિલેનીયમ પ્રોજેક્ટમાં કરોડોની ગેરરીતિ
‘મિલેનીયમ-02’ અને ‘મિલેનીયમ-04’ પ્રોજેક્ટની અંદાજે 185 દુકાનોના વેચાણમાં પણ ગેરરીતિ સામે આવી છે. દસ્તાવેજોમાં માત્ર જંત્રી મુજબની રકમ દર્શાવી, બાકીની આશરે 84 ટકા રકમ કંપનીના હિસાબમાં દાખલ કર્યા વગર વ્યક્તિગત રીતે વાપરી લેવાઈ હોવાનો આક્ષેપ છે.
1928.39 કરોડની ફોર્જરીનો આરોપ
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે સત્તાનો દુરુપયોગ કરીને કુલ રૂ. 19,28,39,69,000ની ગેરરીતિ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વિશ્વાસઘાત અને ફોર્જરીના ગંભીર આરોપો સામે આવ્યા છે.
ધમકીઓનો પણ આક્ષેપ
ફરિયાદીએ વિરોધ નોંધાવતા તેમને ખોટા કેસમાં ફસાવવાની, જેલમાં મોકલવાની અને પરિવાર સમેત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર મામલે તપાસ આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરીમાં વીજ કરંટથી બે યુવકોનાં કરુણ મોત
આ પણ વાંચો: અરવલ્લીના ધનસુરામાં વીજ કરંટથી 2ના મોતથી ચકચાર
આ પણ વાંચો: સુરતમાં દુઃખદ ઘટના: ડિંડોલીમાં 13 વર્ષના છોકરાનું વીજ કરંટથી મોત
