@દિવ્યેશ પરમાર
Surat News : સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી હાઇસ્કૂલના સંચાલકોએ શાળાને તાળું મારી પિકનિક પર જતા રહ્યાં હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. નર્સરી થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને એક સપ્તાહની રજા આપી દેવાઈ છે. ઘટનાને પગલે વાલીઓએ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં મહાપ્રભુનગર ખાતે આવેલી માઉન્ટ મેરી હાઇસ્કુલના સંચાલકોએ વાલીઓને ફોન પર એક મેસેજ મોકલ્યો હતો અને શાળામાં 9મી જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રજા હોવાનું જણાવ્યું હતું. મેસેજ મળતાં વાલીઓ પોતાના બાળકોને લઈ ચિંતિત થયા હતા. કોઈપણ પ્રકારની જાહેર રજા કે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર હાઈસ્કૂલ દ્વારા આ પ્રકારે એક અઠવાડિયાની રજા જાહેર કરી દીધી હતી, તેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ચાલુ સત્રમાં હાઈસ્કૂલના શિક્ષકો આ રીતે શાળામાં રજા જાહેર કરી પિકનિક પર જતા રહેતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ કર્યા હતા. શાળાના સંચાલકોની આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાય તેવી શક્યતાઓ છે. નર્સરી થી લઈ ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓને એકાએક એક સપ્તાહની રજા આપી દેવાતા પરીક્ષા પહેલા અભ્યાસ અધૂરો રહેશે તેવી વાલીઓને ચિંતા સતાવી રહી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતા જ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃપ્રવીણ કુમારે કર્યા ઘણા મોટા ખુલાસા,કહ્યું પાકિસ્તાની ખેલાડીઓ જુઠ્ઠા છે, મિત્રો હોવાનો ડોળ કરે છે
આ પણ વાંચોઃ WHO એ આયુર્વેદ અને યુનાની રોગો સંબંધિત ICD 11 હેઠળ પરંપરાગત દવા મોડ્યુલ બહાર પાડ્યું
