Ahmedabad News: CM ભુપેન્દ્ર પટેલે પહીંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો છે. ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના કરી છે. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે.
રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે. જેનાથી સહુને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી. પુનઃ શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મહંત દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભાબેન જૈન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો:સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા…
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મંદિરના રહસ્યો, રથ અને મૂર્તિઓ વિશે શું તમે જાણો છો?
આ પણ વાંચો:રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
