Gandhinagar News: ગુજરાત સરકારે ત્રણ વર્ષથી ખાલી પડેલા ફરિયાદ પક્ષ નિયામકની જગ્યા માટે નિવૃત્ત જજ અંબાલાલ પટેલની ત્રણ વર્ષ માટે નિમણૂક કરી છે. રાજ્યના કાયદા વિભાગે આજે હુકમ જારી કર્યો છે. આના પગલે આગામી સમયમાં કાયદાકીય પ્રક્રિયા ઝડપી બને તેમ મનાય છે.
તેઓએ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ પૂર્ણ કરવા સળંગ 5 વર્ષ સુધી સોમવારથી શનિવાર સુધી અદાલતની કાર્યવાહી ચલાવી હતી. કોરોનાકાળમાં પણ સપ્તાહના 6 દિવસ અદાલત ચલાવી બ્લાસ્ટ કેસ સહિતના કેસોની કાનૂની પ્રક્રિયા ચલાવી હતી. અમદાવાદના જવેલર્સ જેના નામથી ધ્રૂજતા હતા તે કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને મહેશભાઇ રાણપરાના ખંડણી તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં 21 વર્ષ 3 માસની સજાનો ચુકાદો આપ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઑક્ટોબર-2012માં નોંધાયેલા આઇએસઆઇ કેસમાં દોષિતને 10 વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવી હતી.
ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના એસ-6 કોચમાં આગ લગાવવાનો કેસ પણ તેમની અદાલતમાં હતો. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સીપલ જજ તરીકે અંબાલાલ આર. પટેલ જુલાઈ-2023ના અંતમાં વય નિવૃત્ત થયા હતા.
અંબાલાલ પટેલ મૂળ વડોદરા જિલ્લાના વતની છે. 6 વર્ષની વકીલાત બાદ ન્યાયાધીશ બનેલા અંબાલાલ પટેલ રાજ્યની અનેક અદાલતોમાં જજ તરીકે સેવા આપી ચૂક્યાં છે. 28 વર્ષની ન્યાયાધીશ તરીકેની સફરમાં તેમના નામે અનેક ‘સિમાચિહ્નરૂપ ચુકાદા’ નોંધાયા છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં 3 વર્ષના કાર્યકાળ દરમિયાન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ ચેક રિર્ટનના 19 હજારથી વધુ કેસનો નિકાલ કરવાનો રેકોર્ડ અંબાલાલ આર. પટેલના નામે છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત
